
ટ્રેનમાં વગર ટિકિટે કે અનધિકૃત રીતે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આગામી દિવસો મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જન વિશ્વાસ (સુધારા જોગવાઈ) અધિનિયમ, 2026 હેઠળ રેલવેના નિયમો અને દંડની રકમમાં મોટા ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત ટિકિટ વગર પ્રવાસ કરવા બદલ લાગતો લઘુત્તમ દંડ 250 રૂપિયાથી વધારીને સીધો 500 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
એક અહેવાલ મુજબ, રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને જાણ કરી છે કે આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. રેલવે અધિનિયમ, 1989માં કરવામાં આવેલા આ સુધારાઓ અલગ નોટિફિકેશન દ્વારા 1 જુલાઈથી અમલમાં આવી શકે છે.
સુધારેલી કલમ 137 મુજબ, ટિકિટ વગર અથવા અગાઉ વપરાઈ ચૂકેલી ટિકિટ પર મુસાફરી કરતા પકડાનારા લોકોએ ટિકિટનું ભાડું અને વધારાનો ચાર્જ બંને ચૂકવવા પડશે, જેમાં લઘુત્તમ દંડ 500 રૂપિયા હોઈ શકે છે. જો કોઈ મુસાફર દંડ ચૂકવવાનો ઇનકાર કરશે, તો તેની સામે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના નામે જાહેર થયેલી ટિકિટ પર પ્રવાસ કરતો પકડાશે, તો તેની ટિકિટ જપ્ત કરી લેવાશે. સાથે જ ભાડું અને વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે, જેની લઘુત્તમ રકમ 500 રૂપિયા રહેશે. આનાથી ટિકિટોના કાળાબજાર અને દુરુપયોગ પર રોક લાગશે.
રેલવે પરિસરમાં કે ટ્રેનની અંદર પરવાનગી વગર સામાન વેચનારા કે ભીખ માંગનારાઓ સામે કડક પગલાં લેવાશે. આવા લોકો પર 2,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને વારંવાર નિયમ તોડનારને એક વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ટ્રેનો અને સ્ટેશનો પર ભીખ માંગવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
પ્રવાસ દરમિયાન ગાળાગાળી, અશ્લીલ ભાષાનો ઉપયોગ કે અન્ય મુસાફરોને હેરાન કરવા બદલ 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વળી, નશાની હાલતમાં ધમાલ કરનારા મુસાફરોને ટ્રેન કે સ્ટેશન પરથી બહાર કાઢી મૂકવામાં આવશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી થશે.
મહિલાઓ માટે આરક્ષિત સીટ, બર્થ કે આખા કોચ (ડબ્બા)માં ગેરકાયદેસર રીતે કબજો જમાવનારા પુરુષ મુસાફરોને 2,500 રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે. રેલવે અધિકારીઓને આવા મુસાફરોને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી દેવાનો અધિકાર પણ રહેશે.
સરકારના જણાવ્યા અનુસાર, જન વિશ્વાસ અધિનિયમ, 2026નો મુખ્ય હેતુ નાના-મોટા ગુનાઓમાં કોર્ટના ચક્કર કાપવાને બદલે આર્થિક દંડ લાદવાનો છે, જેથી લોકો નિયમોનું પાલન વધુ સારી રીતે કરે. આ કાયદા હેઠળ દર ત્રણ વર્ષે દંડની રકમમાં 10% સુધીનો વધારો કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.