
ભારતીય સેના હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવાની દિશામાં કામ કરી રહી છે. ઓપરેશન સિંદૂરના અનુભવો પછી સેનાની સૈન્ય રણનીતિમાં AI ની ભૂમિકાને લઈને ચર્ચા તેજ થઈ છે.
આનો હેતુ યુદ્ધ દરમિયાન દુશ્મનની ગતિવિધિઓને ઝડપથી સમજવા, ગુપ્ત માહિતીનું વિશ્લેષણ કરવા અને સૈન્ય નિર્ણયો લેવાની પ્રક્રિયાને વધુ સારો બનાવવાનો છે.
આ યોજના હેઠળ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે એક સંયુક્ત AI ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. આ માટે હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને બેંગલુરુની AI કંપની Sarvam AI વચ્ચે પાંચ વર્ષનો કરાર થયો છે.
આ કરાર હેઠળ Sarvam AI ત્રણેય સેનાઓની જરૂરિયાતો મુજબ AI ટૂલ્સ તૈયાર કરશે. તેનો ઉપયોગ સૈન્ય ઓપરેશન, તાલીમ અને નિર્ણયો લેવામાં મદદ માટે કરવામાં આવશે.
આ ઉપરાંત કંપની સિસ્ટમ લાગુ થયા પછી તકનીકી સહાય પણ પૂરી પાડશે. આ પ્રોજેક્ટનું કામ Sarvam AI ની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા ક્ષેત્ર માટે બનાવેલી વિશેષ એકમ ‘ચાણક્ય’ (Chanakya) કરશે. તેમાં કંપનીના Sarvam 105B જેવા AI મોડેલનો ઉપયોગ કરવામાં આવશે.
સૈન્ય ભાષામાં કિલ ચેઈન તે સંપૂર્ણ પ્રક્રિયાને કહેવામાં આવે છે, જેમાં કોઈ સંભવિત ખતરાને શોધવાથી લઈને તેના પર કાર્યવાહી કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે સેટેલાઇટ, રડાર અને ડ્રોનથી મળતા ડેટાને AI ઝડપથી સમજવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી શંકાસ્પદ ગતિવિધિઓની ઓળખ, સંભવિત સ્થળોની તપાસ કરવામાં અને કમાન્ડરો સુધી જરૂરી માહિતી પહોંચાડવામાં સમય ઓછો થઈ શકે છે.
તેનો એક મોટો ઉદ્દેશ્ય સેન્સરથી હથિયાર સુધી પહોંચતી માહિતીના સમગ્ર સિસ્ટમને એકબીજા સાથે જોડવાનો છે. હવે તેનો અર્થ એ નથી કે, AI પોતાની મેળે હુમલો કરવાનો નિર્ણય લેશે. Sarvam ના મતે, ઓપરેશન સાથે જોડાયેલા અંતિમ નિર્ણયો માનવીય દેખરેખ હેઠળ જ રહેશે.
ભારતે અગાઉ પણ સૈન્ય અભિયાનોમાં AI નો ઉપયોગ કર્યો છે. મે 2025 માં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ગુપ્ત માહિતીના વિશ્લેષણ, દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા, હવામાન સંબંધિત માહિતી અને અલગ-અલગ સેન્સરોથી મળેલા ડેટાને જોડવામાં AI ની મદદ લીધી હતી.
હવે Sarvam AI સાથેના કરારનો ઉદ્દેશ્ય આ અલગ-અલગ તકનીકોને એક સંયુક્ત સિસ્ટમ સાથે જોડવાનો છે, જેથી ત્રણેય સેનાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન અને સૈન્ય નિર્ણયો લેવાની પ્રક્રિયા વધુ સારી થઈ શકે.