Corona Origin: કોરોનાના મૂળની તપાસ માટે રચાયેલા WHO ના નિષ્ણાત જૂથને ભારતનો ટેકો, કહ્યું – બધા દેશોએ ટેકો આપવો જોઈએ
ડબ્લ્યુએચઓના(WHO) હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ રાયને જણાવ્યું હતું કે SARS-CoV-2નું મૂળ નક્કી કરવાની આ તેમની છેલ્લી તક હતી.
ભારતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નિર્ણયને ટેકો આપ્યો છે, જેમાં ડબ્લ્યુએચઓએ નિષ્ણાતોનું એક જૂથ બનાવ્યું છે, જે પેથોજેન્સની ઉત્પત્તિ અને કોરોના વાયરસના (Corona Virus) ફેલાવાના કારણને જાણવા માટે તપાસ કરશે. આ સાથે ભારતે કહ્યું કે તમામ દેશોએ આ તપાસમાં સહકાર આપવો જોઈએ.
WHO ના વડા ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયસસએ વૈજ્ઞાનિક સલાહકાર સમૂહ ફોર ધ ઓરિજિન્સ ઓફ નોવેલ પેથોજેન્સ (SAGO) શરૂ કરવાની જાહેરાત કરી. WHO ના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ રાયને કહ્યું કે SARS-CoV-2 ની ઉત્પત્તિનું કારણ જાણવાની આ છેલ્લી તક છે.
કોરોના મહામારીના મૂળનું કારણ શોધવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓને ભારતે સતત ટેકો આપ્યો છે. ચીન સહિતના તમામ હિસ્સેદારોને આવા પ્રયાસોમાં સહકાર આપવા હાકલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે બ્રીફિંગમાં નવા નિષ્ણાત જૂથ વિશે પૂછવામાં આવતા આ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે અમે અત્યાર સુધી જે કહ્યું છે તે ફરી પુનરાવર્તન કરવું જોઈએ. અમે કોરોનાવાયરસના આ મુદ્દા પરના વધુ અભ્યાસો અને ડેટામાં રસ ધરાવીએ છીએ અને તેનાથી સંબંધિત તમામ બાબતોને સમજવાની અને ટેકો આપવાની જરૂર છે.
ચીને “રાજકીય હેરફેર” ન કરવાની ચેતવણી આપી
અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત ડબ્લ્યુએચઓના નવા પગલાથી શું થશે તેની વિગતો એકત્ર કરી રહ્યું છે. તે જ સમયે ચીને WHOની ઘોષણા પર પ્રતિક્રિયા આપતા કોરોનાના મૂળની નવી તપાસની કોઈપણ “રાજકીય હેરફેર” સામે ચેતવણી આપી હતી. પરંતુ કહ્યું કે તે તપાસને ટેકો આપશે. કોરોનાવાયરસ સૌ પ્રથમ 2019 ના અંતમાં મધ્ય ચીનના શહેર વુહાનમાં ઉભરી આવ્યો હતો, જેણે સદીમાં સૌથી ખરાબ રોગચાળો ફેલાવ્યો હતો.
જ્યારે નવી તપાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનએ કહ્યું કે તે “વિજ્ઞાનની ભાવના” માં થવું જોઈએ અને રાજકીય સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આ બાબતે અગાઉના અભ્યાસના પરિણામનું સન્માન થવું જોઈએ.
તેમણે આગળ કહ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય કોરોનાવાયરસ ઓરિજિન-ટ્રેસીંગને ટેકો આપવાનું અને તેમાં ભાગ લેવાનું ચાલુ રાખશે. તેમ છતાં આ મુદ્દે કોઈપણ પ્રકારની રાજકીય હેરફેરનો વિરોધ કરે છે.
આ પણ વાંચો : IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ
આ પણ વાંચો : Jammu and Kashmir : પૂંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, એક જેસીઓ અને એક જવાન શહીદ