
ભારત અને રશિયા વચ્ચે તાજેતરમાં થયેલી સમિટ દરમિયાન ઊર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ભાગીદારીનો માર્ગ ખુલ્યો છે. રશિયાએ ભારતને નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરો (SMR – Small Modular Reactors) સપ્લાય કરવાની ઓફર કરી છે, જે ભવિષ્યમાં દેશના વીજળી ક્ષેત્રમાં મોટો પરિવર્તન લાવી શકે છે. આ નાના, પોર્ટેબલ અને સુરક્ષિત ન્યુક્લિયર પ્લાન્ટ વિસ્તારોમાં સ્વચ્છ વીજળી પહોંચાડવામાં સક્ષમ છે, જ્યાં પરંપરાગત પાવર સ્ટેશનો બાંધવાં મુશ્કેલ હોય છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “23મા ભારત–રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તેમની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઐતિહાસિક ઉંચાઈ પર છે.”
પુતિને જણાવ્યું કે પીએમ મોદી સાથેની રાત્રિના ભોજન દરમિયાન થયેલી ચર્ચાએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. તેમણે ખુલાસો કર્યો કે રશિયા ભારતને નાની, પોર્ટેબલ ન્યુક્લિયર પાવર ટેકનોલોજી — SMRs — પૂરી પાડવા તૈયાર છે, જે ભારતની ઊર્જા સુરક્ષામાં એક નવો યુગ શરૂ કરી શકે છે.
SMR એટલે નાના પરમાણુ રિએક્ટર જે કદમાં નાના હોવા છતાં ક્ષમતા અને કામગીરીમાં અત્યંત અસરકારક છે. તે સામાન્ય ન્યુક્લિયર સ્ટેશનની તુલનામાં ઓછી જગ્યા લે છે, ઓછો ખર્ચ પડે છે, વધુ સુરક્ષિત છે, ઝડપથી બાંધવામાં આવે છે અને લગભગ શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે સ્વચ્છ ઊર્જા આપે છે. SMRનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને જરૂર મુજબ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે — એટલે કે તે સચ્ચા અર્થમાં પોર્ટેબલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે.
પુતિને વધુમાં જણાવ્યું કે ભારત અને રશિયા મળીને તમિલનાડુના કુડનકુલમ ખાતે એશિયાના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં કુલ 6 રિએક્ટર બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી દરેક 1,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી 6,000 મેગાવોટ (6 ગીગાવોટ) વીજળી દેશને મળશે. હાલ 3 રીએક્ટર રાષ્ટ્રીય વીજળી ગ્રિડ સાથે જોડાઈ ચૂક્યા છે જ્યારે બાકીના 3 રિએક્ટર અલગ–અલગ તબક્કામાં બાંધકામ હેઠળ છે.
વિશ્વના SMR ક્ષેત્રમાં રશિયા અગ્રણી સ્થાન ધરાવે છે. તેની સૌથી મોટી સિદ્ધિ પૈકી એક છે વિશ્વનું પ્રથમ તરતું પરમાણુ પાવર પ્લાન્ટ ‘અકાદમિક લોમોનોસોવ’, જે 2020થી વીજળી અને ગરમી ઉત્પન્ન કરી રહ્યું છે. આ ટેકનોલોજી સમુદ્રમાં તરતું રહે છે અને જરૂરીયાત અનુસાર વિવિધ સ્થળોએ ખસેડી શકાય છે. એટલે મૂવેબલ ન્યુક્લિયર પાવર.
ભારત સરકારે SMRs ને દેશના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારો અને પ્રોજેક્ટ્સમાં તૈનાત કરવાની યોજના બનાવી છે. તેમાં ડેટા સેન્ટરો, પર્વતીય અને સરહદી વિસ્તારો, મોટા ઉદ્યોગો, તેમજ ઋષિકેશ–કર્ણપ્રયાગ જેવી રેલવે લાઈન જેવા દૂરનાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જ્યાં પરંપરાગત પાવર પ્લાન્ટ બાંધવું મુશ્કેલ હોય છે. રશિયાની કંપની રોસાટોમએ ભારતને તરતા પરમાણુ પ્લાન્ટનું મોડેલ પણ દર્શાવ્યું છે, જે જરૂર મુજબ ખસેડી શકાય છે.
ભારતમાં વીજળીની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે નવીનીકરણીય ઊર્જા હવામાન પર નિર્ભર હોવાથી સતત વીજળી પૂરી પાડી શકતી નથી. આવી પરિસ્થિતિમાં SMR ટેકનોલોજી 24×7 બેઝલોડ પાવર પ્રદાન કરશે, કાર્બન ઉત્સર્જન ઘટાડશે, મોટા ઉદ્યોગોને ટકાઉ ઊર્જા આપશે તેમજ કોલસા અને મોટા થર્મલ પ્લાન્ટ્સ પર ભારતની નિર્ભરતા ઘટાડશે. એટલે SMRs ભવિષ્ય માટે સ્વચ્છ, સુરક્ષિત અને વિશ્વસનીય ઊર્જા પૂરી પાડવાનો સૌથી સશક્ત અને આધુનિક ઉકેલ સાબિત થઈ શકે છે.