વિદેશ મંત્રાલય (MEA) એ સોશિયલ મીડિયા પર ફેલાયેલા આ દાવાઓને ફગાવી દીધા છે, જેમાં કહેવાયું હતું કે અમેરિકા ઈરાન પર હુમલા માટે ભારત પાસે લશ્કરી સહાય માંગ્યું હતું. મંત્રાલયે આ દાવાઓને “ખોટા” અને “બનાવટી” ગણાવીને લોકોને આવી ભ્રામક માહિતીથી સાવધાન રહેવા અપીલ કરી છે.
વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી “ફેક ન્યૂઝ એલર્ટ” જાહેર કરતાં જણાવ્યું કે આવા પાયાવિહોણા દાવાઓ પર વિશ્વાસ ન કરવો. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર ફરતી આવી પોસ્ટ્સ ભ્રામક છે અને હકીકતથી દૂર છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક પત્રકારે દાવો કર્યો કે અમેરિકા, લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) હેઠળ, પશ્ચિમ ભારતમાંથી પોતાની લશ્કરી કામગીરી માટે સપોર્ટ મેળવવાની શક્યતા શોધી રહ્યું છે. આ દાવામાં કોંકણ કિનારા નજીક ઓફશોર તૈનાતી અંગે પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તેને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે જોડવામાં આવ્યું હતું.
જો કે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે આવી કોઈ ઘટના બની જ નથી. એક વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પશ્ચિમ ભારતમાંથી ઈરાન પર હુમલો કરવા માટે ભારતીય લશ્કરી સાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી માગી છે, પરંતુ સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.
વિશેષજ્ઞોના મતે, આવા દાવાઓ LEMOA કરારની ખોટી વ્યાખ્યા પર આધારિત છે. નોંધનીય છે કે LEMOA કરાર 2016માં ભારત અને અમેરિકા વચ્ચે થયો હતો, જે હેઠળ બંને દેશોના સશસ્ત્ર દળો એકબીજાની લશ્કરી સુવિધાઓનો ઉપયોગ રિફ્યુઅલિંગ, સમારકામ અને પુરવઠા માટે કરી શકે છે, તે પણ નિર્ધારિત નિયમો અને વળતરના આધારે.
આ ઉપરાંત, કેટલાક દાવાઓમાં અમેરિકી વિમાનવાહક જહાજોને ભારતીય બંદરોમાં તૈનાત કરવાની વાત પણ કરવામાં આવી હતી. જોકે, નિષ્ણાતો મુજબ, આવા મોટા જહાજોને સમાવવા માટે ભારતીય નૌકાદળના બર્થ પૂરતા નથી, તેથી આવા દાવાઓ વાસ્તવિકતા સાથે મેળ ખાતા નથી.
સરકારે અંતમાં ફરી એકવાર લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતીથી દૂર રહે અને માત્ર વિશ્વસનીય સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખે.
ક્રૂડ ઓઈલ માર્કેટમાં મોટો ઉલટફેર! તેલની કિંમતો પર પડશે ‘સીધી અસર’
Published On - 4:24 pm, Sat, 21 March 26