
ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભારતમાં ચાલી રહેલા યુવા આંદોલનોને વિદેશમાંથી (ખાસ કરીને અમેરિકા તરફ સંકેત કરીને) ભંડોળ મળી રહ્યું છે. તેમના મતે, પડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ અસ્થિરતા ઊભી કરવાનું આ એક વ્યવસ્થિત બાહ્ય કાવતરું હોઈ શકે છે. સાલવેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે દેશમાં કેટલીક ગતિવધિઓ માટે વિદેશી ફન્ડીંગ ઉપલબ્ધ કરાવાઈ રહ્યુ છે. કેટલાક સમૂહો ભારત સરકારને આગળ વધતા રોકવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે પ્રદર્શનો માટે ધનના સ્ત્રોત પર પણ સવાલ ઉઠાવ્યો. પડોશી દેશોમાં રાજનીતિક ઘટનાક્રમની તુલના કરતા તેમણે વિદેશી તાકતોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જોકે તાજેતરમાં પ્રશાંત ભૂષણનું રિજીમ ચેન્જનું ખુલ્લેઆમ સમર્થન નેહા બોરા બાંગ્લાદેશના આંદોલનથી પ્રેરિત હોવાની કબૂલાત, નેપાળમાં આંદોલન સમયે વનપીસ એનિમ વાળુ ટીશર્ટ પહેરીને જે સંકેત અપાયો છે તેના પરથી લાગી રહ્યુ છે કે આ આંદોલન હવે જનહિતનું ન રહેતા ક્યાંકને ક્યાંક વિદેશી તાકતોનો હાથો બની રહ્યુ છે અને દેશમાં અરાજક્તાની ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ભારત દુનિયાનું સૌથી મોટી અને જીવંત લોકશાહી છે, જ્યાં બંધારણ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો મૌલિક અધિકાર આપે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં થઈ રહેલા આંદોલનોનું સ્વરૂપ અને તેમની પાછળના હેતુઓ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે વિરોધ પ્રદર્શનો શિક્ષણ મંત્રીને હટાવવાની કે જ્ઞાનેશ કુમાર જેવા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે શરૂ થાય છે, તે ધીમે ધીમે આગળ વધીને રાજકીય અસ્થિરતા તરફ વળતા જોવા મળે છે. હાલ રાષ્ટ્રીય મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અને ઘટનાક્રમ એ વાત તરફ ઈશારો કરે છે કે શું લોકશાહીના નામે વિરોધ કરનારા તત્વો માત્ર સ્થાનિક કે નીતિગત મુદ્દાઓ પૂરતા સીમિત છે, કે પછી તેમની પાછળ દેશમાં અરાજકતા ફેલાવીને બંધારણીય રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાનું કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે? આ મુદ્દો હાલ સમગ્ર દેશમાં અત્યંત ચર્ચાસ્પદ બન્યો છે.
તાજેતરમાં જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણનું મીડિયામાં સામે આવેલું નિવેદન આ શંકાઓને બળ આપે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “વી વોન્ટ રિજીમ ચેન્જ” (અમે સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ). સામાન્ય રીતે લોકશાહીમાં સત્તા પરિવર્તન ચૂંટણીના માધ્યમથી જનતા દ્વારા થતું હોય છે, પરંતુ આંદોલનો અને રસ્તા પરના વિરોધ પ્રદર્શનો વચ્ચે ‘રિજીમ ચેન્જ’ (Regime Change) જેવા કઠોર અને ગંભીર શબ્દનો પ્રયોગ કરવો એ માત્ર સરકારનો વિરોધ નથી, પરંતુ સમગ્ર શાસન પ્રણાલીને અસ્થિર કરવાનો સંકેત છે. આ નિવેદન સામે આવ્યા બાદ સત્તાધારી પાર્ટી BJP આક્રમક બની છે. ભાજપનો આરોપ છે કે વિરોધીઓ માટે શિક્ષણ મંત્રી કે જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ તો માત્ર એક બહાનું હતું; તેમનો વાસ્તવિક અને અંતિમ એજન્ડા રસ્તા પર ઉતરીને અરાજકતા ઊભી કરવાનો અને સત્તા પરિવર્તનનો જ હતો.
આ સમગ્ર વિવાદમાં બીજું એક ચર્ચિત નામ ‘આઇસા’ (AISA – All India Students’ Association) ના અધ્યક્ષ નેહા બોરાનું છે. નેહા બોરા વારંવાર કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે મંચ પર જોવા મળી છે અને વિરોધ પ્રદર્શનોમાં અત્યંત મુખર રીતે ભાષણ આપતી આવી છે. તાજેતરમાં તેઓ ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તેમણે બાંગ્લાદેશના આંદોલનકારી વિદ્યાર્થીઓનો આભાર માન્યો અને કહ્યું કે “અમે તમારા બતાવેલા રસ્તા પર છીએ, તમારામાંથી પ્રેરણા લઈએ છીએ અને તમારી સાથે સોલિડેરિટી (એકજૂથતા) દર્શાવીએ છીએ.” બાંગ્લાદેશમાં જે રીતે હિંસક વિદ્યાર્થી આંદોલનના જોરે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવામાં આવી અને દેશમાં ભારે અરાજકતા સર્જાઈ, તેવા મોડેલને ભારતમાં પ્રેરણાસ્રોત ગણાવવું એ દેશની સુરક્ષા અને લોકશાહી માટે અત્યંત ખતરનાક સાબિત થાય છે.
આંદોલનો દરમિયાન નેહા બોરા દ્વારા પહેરવામાં આવેલું ‘વન પીસ’ (One Piece) એનિમે સિમ્બોલ વાળું ટી-શર્ટ માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ નથી, પરંતુ એક ઊંડો રાજકીય અને સાંકેતિક સંદેશ ધરાવે છે. ‘વન પીસ’ જાપાનીઝ એનિમે શ્રેણીનું એક અત્યંત લોકપ્રિય પ્રતીક છે, જેમાં ‘સ્ટ્રો હેટ પાઇરેટ્સ’ (Straw Hat Pirates) ન્યાય અને સ્વતંત્રતાના નામે એક વિરાટ, આક્રમક અને વિશ્વોવ્યાપી શાસન (‘વર્લ્ડ ગવર્નમેન્ટ’) સામે સશસ્ત્ર બળવો કરે છે. તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે – ખાસ કરીને નેપાળ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને મધ્યપૂર્વના દેશોમાં – યુવા આંદોલનકારીઓએ આ પ્રતીકને પ્રસ્થાપિત સત્તા, સરકાર અને સિસ્ટમ સામેના ખુલ્લા બળવાના પૉપ-કલ્ચર સિમ્બોલ તરીકે અપનાવ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી નેતા રાહુલ ગાંધી જેવા અગ્રણી નેતાઓ સાથે મંચ શેર કરતી વખતે અને બાંગ્લાદેશી આંદોલનથી પ્રેરણા લેવાની વાતો કરતી વખતે આ ‘પાઇરેટ ફ્લેગ’ વાળું ટી-શર્ટ પહેરે છે, ત્યારે તે યુવાનોમાં સત્તા સામે અરાજકતા અને ક્રાંતિની લાગણીઓને રોમેન્ટિસાઇઝ કરવાનો સ્પષ્ટ પ્રયાસ દર્શાવે છે. આ પ્રતીક દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ થાય છે કે વર્તમાન લોકતાંત્રિક સરકાર એક દમનકારી શાસન છે જેને રસ્તા પરના પ્રચંડ વિરોધ દ્વારા ઉથલાવી દેવી જોઈએ.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું જે રીતે અચાનક પતન થયું, તેની પાછળ માત્ર સ્થાનિક વિદ્યાર્થીઓનો રોષ જ નહોતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ (ડીપ સ્ટેટ) નો હાથ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. વિદેશી સત્તાઓ ઘણીવાર પોતાના ભૌગોલિક-રાજકીય (Geopolitical) હિતો સાધવા માટે દેશની અંદરના અસંતોષ, વિદ્યાર્થી સંગઠનો અને NGO નો ઉપયોગ કરીને ‘કલર રિવોલ્યુશન’ (Color Revolution) ઉભી કરે છે. બાંગ્લાદેશમાં આ જ મોડેલ સફળ રહ્યું, જ્યાં આંદોલનની આડમાં સત્તા પરિવર્તન કરાવવામાં આવ્યું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ જ વિદેશી ટેમ્પલેટ ભારતમાં પણ અજમાવવામાં આવી રહ્યું છે? ભારતમાં સત્તા બદલવા માટે વિદેશી ભંડોળ, સોશિયલ મીડિયા નેરેટિવ અને સ્થાનિક આંદોલનકારીઓનું એક જાળું તૈયાર કરીને દેશને અંદરથી નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકાઓને નકારી શકાય તેમ નથી.
કોઈપણ લોકતાંત્રિક દેશમાં વિરોધ પ્રદર્શન થવા જોઈએ તે આવકાર્ય પણ હોય પરંતુ જ્યારે આંદોલનનો મૂળ હેતુ જનહિતમાંથી તખ્તાપલટ ‘રિજીમ ચેન્જ’ અને વિદેશી તાકતોના ઈશારે દેશમાં અસ્થિરતા ફેલાવવાનો બની જાય, ત્યારે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની જાય છે. પ્રશાંત ભૂષણનું નિવેદન, નેહા બોરાનું બાંગ્લાદેશ પ્રત્યેનું વલણ અને સાંકેતિક વિરોધ દર્શાવતા પ્રતીકો એ વાતનો સંકેત આપે છે કે ભારતમાં પણ બાંગ્લાદેશ જેવા આંદોલનની આડમાં સત્તા પરિવર્તનના પ્રયોગો થઈ રહ્યા હોઈ શકે છે. જોકે, ભારતનું બંધારણ અને લોકશાહીની પાયાની વ્યવસ્થા અત્યંત મજબૂત છે તો લોકશાહીના નામે અરાજકતા ફેલાવતા તત્વો પોતાના ઈરાદામાં સફળ ન થઈ શકે.