દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) આમને-સામને છે. જ્યારે આ બંને પક્ષોએ INDIA ગઠબંધન હેઠળ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જે રીતે ટસલ જોવા મળી રહી છે, તેને જોતાં વિપક્ષી પક્ષોના INDIA ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ તમામ પક્ષોના મંતવ્યો અલગ અલગ છે. દિલ્હીમાં મોટાભાગની પાર્ટીઓએ કોંગ્રેસને બદલે AAPને ટેકો આપ્યો છે. જ્યારે ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે INDIA ગઠબંધન બંધ થવું જોઈએ.
બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ઇન્ડિયા એલાયન્સ અંગે આપેલા નિવેદન બાદ રાજ્યમાં મહાગઠબંધનના અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રસ્તા અલગ થઈ ગયા છે. આ પ્રશ્ન ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
તાજેતરમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ એક કાર્યક્રમ માટે બક્સર પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી માટે બનાવવામાં આવ્યું હતું. બિહારમાં ગઠબંધનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે તેમનું જૂનું ગઠબંધન છે.
તેજસ્વી યાદવના આ નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેજસ્વીએ સ્પષ્ટ કર્યું છે કે INDIA ગઠબંધન હવે ભૂતકાળની વાત છે. આ ગઠબંધન ફક્ત 2024ની લોકસભા ચૂંટણી માટે જ બનાવવામાં આવ્યું હતું. હવે ભવિષ્યની ચૂંટણીમાં આનો કોઈ અર્થ નથી.
આરજેડી નેતા તેજસ્વી યાદવના નિવેદન પછી કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ કહ્યું છે કે આ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું. INDIA ગઠબંધન અંગેના પ્રશ્નના જવાબમાં પવન ખેરાએ કહ્યું કે તે લોકસભા ચૂંટણી માટે હતું. ઇન્ડિયા એલાયન્સ લોકસભાની ચૂંટણી માટે હતું અને રાષ્ટ્રીય સ્તરે હતું. જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિના આધારે પક્ષો પછી ભલે તે કોંગ્રેસ હોય કે પ્રાદેશિક પક્ષો નક્કી કરે છે કે તેમણે સાથે મળીને લડવું છે કે અલગથી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના નેતૃત્વ અને કાર્યસૂચિ વિશે સ્પષ્ટતાના અભાવ પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે જો તે ફક્ત સંસદીય ચૂંટણીઓ માટે હોય તો તેને રદ કરવું જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો ભાજપનો અસરકારક રીતે સામનો કેવી રીતે કરવો તે નક્કી કરશે. તેમણે કહ્યું, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પછી, તેમણે ગઠબંધનના તમામ સભ્યોની બેઠક બોલાવવી જોઈએ.’ જો આ ગઠબંધન ફક્ત સંસદીય ચૂંટણીઓ માટે હતું તો તેને સમાપ્ત કરી દેવું જોઈએ અને આપણે અલગથી કામ કરીશું. પરંતુ જો વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ હોય તો આપણે સાથે બેસીને સામૂહિક રીતે કામ કરવું પડશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો છે. આ પહેલા પણ મમતા બેનર્જી કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં એલાયન્સના કેટલાક નેતાઓએ ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવાની વાત કરી હતી. તેને ભૂતપૂર્વ સીએમ લાલુ યાદવે ટેકો આપ્યો હતો. હવે મમતા બેનર્જીએ દિલ્હીમાં કેજરીવાલને ટેકો આપ્યો છે. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે INDIA ગઠબંધન પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે.
શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે વિપક્ષી INDIA ગઠબંધનમાં સંકલનનો અભાવ છે. લોકસભા ચૂંટણી પછી ગઠબંધનમાં સામેલ પક્ષોની એક પણ બેઠક યોજાઈ નથી. ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કોંગ્રેસે આ કામ કરવું જોઈએ. રાઉતે કોંગ્રેસ પર વિપક્ષી ગઠબંધનમાં પક્ષોને નબળા પાડવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ INDIA ગઠબંધનના અન્ય પક્ષો સામે ચૂંટણી લડીને તેમને નબળા બનાવી રહી છે. હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તેમનું પોતાનું પ્રદર્શન ખાસ નહોતું. INDIA ગઠબંધનમાં વિખવાદ માટે કોંગ્રેસ જવાબદાર છે.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે દિલ્હી વિધાનસભા ચૂંટણી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ અંગે મૂંઝવણમાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મુખ્ય પક્ષો છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી પાસે સૌથી વધુ તાકાત છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સારા માર્જિનથી જીત મેળવી રહી છે અને આ પરિસ્થિતિ પાર્ટીના કાર્યકરો માટે મહત્વપૂર્ણ છે, જે ભવિષ્યમાં તેમને પ્રોત્સાહન આપશે. તેમણે અરવિંદ કેજરીવાલને દેશદ્રોહી કહેવા બદલ કોંગ્રેસના નેતા અજય માકનની નિંદા કરી. કહ્યું કે કેજરીવાલને દેશદ્રોહી કહેવું યોગ્ય નથી. અમે આ નિવેદન સાથે સહમત નથી કારણ કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ દ્વારા સંચાલિત ઈન્ડિયા ગઠબંધનના આદરણીય સભ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં INDIA ગઠબંધનના પ્રદર્શન વિશે વાત કરીએ તો, 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 543 સીટોમાંથી 99 કોંગ્રેસે અને સાથી પક્ષોએ 135 સીટો સાથે કુલ 234 સીટો મેળવી હતી. જ્યારે બહુમતી માટે 272 સીટો જરૂરી હતી. જ્યારે NDAએ 293 બેઠકો જીતી હતી. 2024ની ચૂંટણીમાં INDIA ગઠબંધને દેશભરમાં 737 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 234 બેઠકો જીતી હતી. આ ગઠબંધનમાં સૌથી સફળ પક્ષ તરીકે DMK ઉભરી આવ્યો હતો, આ પાર્ટીએ લડેલી તમામ 22 બેઠકો જીતી હતી.
પરિણામોની જાહેરાત પહેલા 24 પક્ષો INDIA ગઠબંધનનો ભાગ હતા. પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબમાં ગઠબંધન પક્ષો બેઠકોની વહેંચણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગઠબંધનમાં સામેલ નાના પક્ષોએ અન્ય રાજ્યોમાં પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કુલ 178 બેઠકો પર ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. ગઠબંધનમાં સામેલ ઘણા પક્ષોએ પણ ઘણા રાજ્યોમાં અલગ અલગ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્યારે લોકસભા ચૂંટણી બાદ હવે આ ગઠબંધન તૂટવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની જીત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવેલા દાવા પર રાજકારણ તેજ બન્યું છે. પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પર શિવસેનાના નેતા મનીષા કાયાંડેએ કહ્યું કે કોંગ્રેસનો અંત નજીક છે.આનો અર્થ એ થયો કે INDIA ગઠબંધનમાં છે અને તેમનું ગઠબંધન જ કોંગ્રેસને ખતમ કરી શકે છે. પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમના મતભેદો ઘણા વધી ગયા છે. હવે કોંગ્રેસમુક્ત ‘ઈન્ડી એલાયન્સ’ બનાવવાની દિશામાં પહેલું પગલું ભરવામાં આવી રહ્યું છે.