એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે થોડા સમય માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી ત્યારે હાઈડ્રોલિક્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે રવિવારે રાત્રે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પ્લેન શારજાહથી આવ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ IX 412ના તમામ 183 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર રાત્રે 8 વાગ્યેને 4 મીનિટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોઈ રનવે બ્લોક કરવામાં આવ્યો ન હતો અને કોઈ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફલાઇટમાં ફરી શરમજનક ઘટના ! મહિલા મુસાફરના ભોજનમાં કાંકરા મળ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, રાત્રે 8.36 વાગ્યે ઈમરજન્સી આદેશ પરત લેવામાં આવ્યો હતો અને હવાઈ કામગીરી સામાન્ય જાહેર કરવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન તેના નિર્ધારિત સમયે (રાત્રે 8.34 કલાકે) સામાન્ય રીતે લેન્ડ થયું હતું અને પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ઈમરજન્સી વિશે જાણ કરી ન હતી.
પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે, શારજાહથી કોચી આવનાર ફ્લાઈટ ઈમરજન્સીમાં લેન્ડ થઈ નથી. તેમણે કહ્યું કે પાઈલટે હાઈડ્રોલિક પ્રેશર સિસ્ટમ ઉપર અને નિચે થયા બાદ સાવચેતીના પગલા તરીકે ATCને જાણ કરી હતી.
ગયા વર્ષે પણ 22 જુલાઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દુબઈ-કોચી ફ્લાઈટના 180 મુસાફરોને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો દુબઈ-કોચી ફ્લાઈટમાં ચઢ્યા હતા, જેમાં ટેકનિકલ ખામી સામે આવી હતી.
એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી હોવાની જાણ થતાં દુબઈ-કોચી ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, આ પછી, મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ મુસાફરો સુરક્ષિત રીતે કેરળના કોચીન એરપોર્ટ પહોંચ્યા હતા.