
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર 2026 ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં બે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. જેમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સાબરમતી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, અમદાવાદના મેયર આ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે બેચરાજી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહેશે.
અમદાવાદ મંડળના ડીઆરએમ ના જણાવ્યા મુજબ, “વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય રેલવે મુસાફર-કેન્દ્રીત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને કાશી વિશ્વનાથ દર્શને જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. જ્યારે મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુથી ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રાધામ બહુચરાજી જતા દર્શનાર્થીઓને ઉત્તમ સગવડ મળશે.”
મુખ્ય સ્ટોપેજ: મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઇદગાહ, આગ્રા જંક્શન, ટુંડલા, ગોવિંદપુરી, સૂબેદારગંજ અને મિર્ઝાપુર.
આ બંને નવી રેલ સેવાઓથી પ્રવાસન, સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળશે.