
આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે આઇટી કંપની કોગ્નિઝન્ટ સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કંપનીને શહેરમાં ફક્ત 99 પૈસામાં જમીન મળશે. બે મહિના પહેલા અહીંની સરકારે ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે પણ આવો જ કરાર કર્યો હતો.
કોગ્નિઝન્ટનું હેડક્વાર્ટર ન્યુ જર્સીના ટીનેકમાં છે. કંપનીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી આઠ વર્ષમાં રૂ. 1,582 કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. કંપની અહીં એક IT કેમ્પસ બનાવવા જઈ રહી છે, જેનાથી લગભગ 8,000 લોકોને નોકરી મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ કેમ્પસ બેંગલુરુ પછી ભારતના બીજા સૌથી મોટા IT હબ હૈદરાબાદથી લગભગ 600 કિમી દૂર હશે અને ચેન્નાઈથી 800 કિમી દૂર હશે. એવી અપેક્ષા છે કે, કોગ્નિઝન્ટ માર્ચ 2029 સુધીમાં વિશાખાપટ્ટનમમાં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરશે.
આ વર્ષે એપ્રિલમાં TCSને 21 એકર જમીન ફાળવ્યા પછી રાજ્યના ટેકનોલોજી મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય વિશાખાપટ્ટનમને IT રોકાણ માટેનું નવું હબ બનાવવાનો છે.
તમને જણાવી દઈએ કે એપ્રિલમાં, આંધ્ર પ્રદેશ કેબિનેટે વિશાખાપટ્ટનમમાં TCSને 99 પૈસાના ટોકન લીઝ ભાવે 21.16 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી હતી. કંપનીએ IT હિલ નંબર 3માં મળેલી આ જમીનમાં IT કેમ્પસ બનાવવા માટે 1,370 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. આનાથી 12,000 લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, મંત્રીમંડળે વિજયનગરમમાં તેના સ્ટીલ પ્લાન્ટનો વ્યાપ વધારવા માટે મહામાયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. મંત્રીમંડળે ગુંટુર જિલ્લાના પટ્ટીપડુમંડલમાં નદીમપાલેમ ખાતે ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ)ને 100 બેડની હોસ્પિટલ અને રહેણાંક ક્વાર્ટર બનાવવા માટે 6.35 એકર જમીન પણ ફાળવી હતી.
99 પૈસાની આ ડીલ સરકાર એક ખાસ રણનીતિ છે. આનાથી નવા ઉદ્યોગો બનશે, માળખાગત સુવિધાઓમાં સુધારો થશે, રાજ્યમાં નોકરીઓ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.
Published On - 7:47 pm, Fri, 20 June 25