શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક, આગામી 15-16 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનમાં યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન મીટિંગમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ વખતે પાકિસ્તાન SCO બેઠકની યજમાની કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 15 અને 16 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાવાની છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની CHG બેઠકનું આયોજન કરી રહ્યું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરની આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધાના થોડા દિવસો બાદ થઈ રહી છે. ગત 28 સપ્ટેમ્બરે જયશંકરે કહ્યું હતું કે ઘણા દેશો તેમના નિયંત્રણ બહારના સંજોગોને કારણે પાછળ રહી ગયા છે. પરંતુ, કેટલાક દેશો જાણી જોઈને આવા નિર્ણયો લે છે જેના વિનાશક પરિણામો આવે છે. આનું ઉદાહરણ આપણો પાડોશી પાકિસ્તાન છે.
જયશંકરે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ગઈકાલે આ જ પ્લેટફોર્મ પર અમે કેટલીક અજુગતી વાતો સાંભળી હતી. તેથી, હું મારા દેશની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું. પાકિસ્તાનની આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય. તેણે સજામાંથી બચવાની આશા ન રાખવી જોઈએ.
એસ જયશંકર 15 અને 16 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ પહેલા પડોશી દેશ શ્રીલંકા પહોંચી ગયા છે. અનુરા કુમાર દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના પખવાડિયાની અંદર તેમની મુલાકાત છે. કોલંબો એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ફરી એકવાર કોલંબોમાં આવવું સારું છે. શ્રીલંકાના નેતૃત્વ સાથેની મારી બેઠકોને લઈને ઉત્સાહિત છું.
ગત 23 સપ્ટેમ્બરે NPP સરકાર સત્તામાં આવ્યા બાદ જયશંકર શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા છે. શ્રીલંકા પહોંચતા જ વિદેશ સચિવ અરુણી વિજયવર્દનેએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા પણ હાજર હતા. જયશંકરની મુલાકાતને લઈને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન હરિની અમરાસૂર્યા અને વિદેશ મંત્રી વિજયા હેરાથને મળી શકે છે. જયશંકર શ્રીલંકામાં ચાલી રહેલા ભારતીય પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરશે.