
દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ભેળવવાના પ્રોગ્રામને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. સરકારે જણાવ્યું કે, 20% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અત્યારે એક પ્રયોગ (Experiment) તરીકે ચાલી રહ્યો છે અને તેના અસલી પરિણામો આગામી વર્ષ સુધીમાં સામે આવશે.
સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે E20 પેટ્રોલના એન્જિન, માઇલેજ અને પર્યાવરણ પર પડતી અસરોને લઈને વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સતત આ પ્રોગ્રામને એનર્જી સિક્યોરિટી (ઊર્જા સુરક્ષા), ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાવી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જણાવ્યું કે, સરકાર 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ પર સતત કામ કરી રહી છે. તેમણે અદાલતને કહ્યું, “20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ એવી યોજના છે, જેના પર સરકાર પ્રયોગ કરી રહી છે. આગામી વર્ષ સુધીમાં તેના પરિણામો આપણી સામે હશે.”
આ ટિપ્પણી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આવી છે. BPCL એ કર્ણાટક હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે કે, જે 2025-26 ઇથેનોલ સપ્લાય વર્ષ માટે ઇથેનોલની ફાળવણી સાથે જોડાયેલો છે.
ભારત સરકારનો લક્ષ્યાંક દેશભરમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવીને આયાત કરાતા ક્રૂડ ઓઈલ (કાચા તેલ) પરની નિર્ભરતા ઘટાડવાનો છે. સરકારનું કહેવું છે કે, આનાથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થશે અને શેરડી તેમજ અન્ય પાક ઉગાડતા ખેડૂતોને વધારાનું બજાર મળશે. જો કે, ઘણા નિષ્ણાતોએ જૂના વાહનોની એન્જિન ક્ષમતા, માઇલેજ અને મેન્ટેનન્સ (જાળવણી) ના ખર્ચ પર પડનારી સંભવિત અસરો અંગે સવાલો પણ ઉઠાવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારના નિવેદન પરથી સંકેત મળે છે કે, E20 બ્લેન્ડિંગ કાર્યક્રમનું વ્યાપક મૂલ્યાંકન (Comprehensive Evaluation) આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ત્યારબાદ જ એ સ્પષ્ટ થશે કે, 20% ઇથેનોલ બ્લેન્ડિંગની વાહનો, ફ્યુઅલ કેપેસિટી (બળતણ ક્ષમતા), પર્યાવરણ અને અર્થતંત્ર પર વાસ્તવિક અસર શું રહી.