“15 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસ ન કરશો”.. PM મોદીએ કોને અને શા માટે આપી આ સૂચના?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસ ન કરવાની પણ સલાહ આપી હતી. હવે આ સલાહ કોના માટે છે અને કેમ આપવામાં આવી છે તે અહીં જાણો.

15 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસ ન કરશો.. PM મોદીએ કોને અને શા માટે આપી આ સૂચના?
PM MODI
| Updated on: Nov 26, 2026 | 9:58 AM

કેન્દ્ર સરકાર સંસદના આગામી સત્રને લઈને અત્યારથી જ સક્રિય થઈ ગઈ છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને 15 ડિસેમ્બર પહેલાં સંસદ સત્રને લગતી જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે તેમણે મંત્રીઓને આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસ ન કરવાની પણ સલાહ આપી હતી. આ સલાહ મંત્રીઓ માટે છે દેશના નાગરિકો માટે નથી. વડાપ્રધાને દરેક મંત્રાલયને આગામી સત્ર માટે સંપૂર્ણ તૈયારી સાથે રહેવા જણાવ્યું છે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આગામી સત્રમાં સરકાર સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલને આગળ વધારી શકે છે. જોકે, સંસદના સત્રની શરૂઆત ક્યારે થશે અને તે કેટલા દિવસ ચાલશે, તેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ લેશે.

100 દિવસથી વધુ સમયથી સંસદ સત્રની રાહ

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, બુધવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સંસદના આગામી સત્ર અંગે ચર્ચા થઈ હતી. બીજી તરફ, શિયાળુ સત્ર બોલાવવામાં થઈ રહેલા વિલંબને લઈને વિપક્ષ પણ સરકારને સવાલો પૂછી રહ્યો છે.

13 ઓગસ્ટના રોજ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી 100 દિવસથી વધુ સમય વીતી ગયો છે. જોકે, ચોમાસુ સત્રને ઔપચારિક રીતે મુલતવી રાખવાની પ્રક્રિયા બુધવારે રાત સુધી પૂર્ણ થઈ નહોતી.

સત્રની તારીખો જાહેર ન થતાં સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે તેવી અટકળો પણ તેજ બની છે. આ ચર્ચા પાછળનું મુખ્ય કારણ લોકસભા અને વિધાનસભા બેઠકોના સીમાંકન સાથે જોડાયેલો પ્રસ્તાવ છે.

સીમાંકન બિલ માટે સરકારને બે તૃતીયાંશ બહુમતીની જરૂર

આગામી સત્રમાં બંધારણ (131મો સુધારો) બિલ, 2026 રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં સીમાંકન અને મહિલા અનામતને લગતી જોગવાઈઓ સામેલ છે. અગાઉ 17 એપ્રિલે સંસદના ખાસ સત્ર દરમિયાન જરૂરી સમર્થન ન મળતાં આ બિલ પસાર થઈ શક્યું નહોતું.

લોકસભામાં આ બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 361 સાંસદોના સમર્થનની જરૂર છે. 543 બેઠકો ધરાવતી લોકસભામાં હાલમાં ત્રણ બેઠકો ખાલી હોવાથી કુલ 540 સાંસદો છે. NDA પાસે 320 સાંસદોનું સમર્થન છે. આવી સ્થિતિમાં બિલ પસાર કરાવવા માટે સરકારને અન્ય પક્ષોનો સહયોગ મેળવવો પડશે.

દરમિયાન, વિપક્ષી ગઠબંધનના કેટલાક સાંસદોએ પક્ષ બદલતાં રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર થયો છે. તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદો અલગ થઈને નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)માં જોડાયા છે અને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, શિવસેના (UBT)ના છ સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થયા છે.

આ ફેરફારો છતાં સરકારને બિલ માટે જરૂરી સંખ્યાબળ મેળવવા વધારાના સમર્થનની જરૂર પડશે. લોકસભામાં 22 સાંસદો ધરાવતી DMK અને આઠ સાંસદો ધરાવતી NCP (શરદચંદ્ર પવાર)ની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.

લોકસભાની બેઠકોમાં 50% વધારો કરવાની વિચારણા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન મુદ્દે ખાસ કરીને દક્ષિણ ભારતનાં રાજ્યોની ચિંતાઓ દૂર કરવા માટે સરકાર એક વિકલ્પ પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

આ પ્રસ્તાવનો હેતુ 1971ની વસ્તી ગણતરીના આધારે નક્કી થયેલા રાજ્યો વચ્ચેના લોકસભા બેઠકોના વર્તમાન પ્રમાણને જાળવી રાખવાનો છે. જોકે, આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોંગ્રેસે સરકારની રણનીતિ સામે સવાલ ઉઠાવ્યા

સંસદનું સત્ર બોલાવવામાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે અત્યાર સુધીમાં શિયાળુ સત્ર અથવા સંભવિત વિશેષ સત્રની તારીખો જાહેર થઈ જવી જોઈતી હતી.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. રમેશે આરોપ લગાવ્યો કે સરકાર લોકસભામાં બિલ પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીનું ગણિત ગોઠવી રહી છે. તેમણે સીમાંકન અંગે સરકારનો પ્રસ્તાવિત ફોર્મ્યુલા પણ જાહેર કરવાની માંગ કરી હતી.

SIR અને મુખ્ય ચૂંટણી કમિશનરનો મુદ્દો પણ ચર્ચાશે

સંસદના આગામી સત્રમાં વિપક્ષ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો મુદ્દો ઉઠાવી શકે છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

શાસક પક્ષના એક સાંસદે PTIને જણાવ્યું હતું કે બંધારણીય સુધારા બિલ પર યોગ્ય ચર્ચા અને મતદાન કરાવવા માટે સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ચાલવી જરૂરી છે.

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી! PM મોદીની વાત માનનાર બચી ગયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.