પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સંપન્ન થવામાં હવે થોડા દિવસો જ બચ્યા છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવા માટે કોઈપણ ભોગે પ્રયાગરાજ જવા ઈચ્છે છે જેના કારણે બે-ત્રણ એવી ઘટનાઓ સર્જાઈ કે ભારે ભીડને કારણે સ્થિતિ બેકાબૂ બની અને નાસભાગ સર્જાઈ જતા કેટલાક લોકોને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો છે. 15 ફેબ્રુઆરીએ દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાયેલી નાસભાગમં 18 લોકોના મોત થયા છે જેમા 11 મહિલાઓ અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ ઘટનાઓ માટે યુપી સીએમ યોગી આદિત્યનાથને જવાબદાર ગણાવતા મમતા બેનરજીએ આકરા પ્રહાર કર્યા. દીદીએ કહ્યુ કે મહાકુંભ હવે મૃત્યુકુંભ બની રહ્યો છે. VIPs ને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે. યોગી સરકારનો વિરોધ કરવામાં મમતાએ આસ્થાના મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવી દીધો.
જો કે ન માત્ર મમતા બેનરજી પરંતુ વિપક્ષના અનેક નેતા મહાકુંભને લઈને સીએમ યોગી પર આક્રમક જોવા મળી રહ્યા છે અને અવ્યવસ્થા અને અરાજક્તાનો આરોપ લગાવી રહ્યા છે. મમતા બેનર્જીએ મહાકુંભ અંગે યોગી પર પ્રહાર કર્યા કે ‘તમારે આ પ્રકારના મોટા આયોજન માટે પ્લાનિંગ કરવાની જરૂર હતી. નાસભાગની ઘટના પછી કુંભમાં કેટલા કમિશન કુંભ મોકલવામાં આવ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ બંગાળ મોકલી દેવામાં આવ્યા હતા. હવે તેઓ કહેશે કે એ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તેમને વળતર આપવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, ‘તમે દેશના ભાગલા પાડવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યું કારણ કે તમે ડેથ સર્ટિફિકેટ વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળશે? આ પહેલા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 144 વર્ષ પછી કુંભ આવવાનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી, જો હોય તો આ લોકોએ જણાવવું જોઈએ.
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, ‘પીઆર માટે સરકારી નાણાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપવું જોઈએ. અવ્યવસ્થાની બોલબાલા છે. શિવપાલે આરોપ લગાવ્યો કે સરકાર સનાતન ધર્મનો દેખાડો કરીને લોકોની આસ્થા સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક ઉદ્દેશ્ય જનતાના વિશ્વાસનું શોષણ કરવાનો છે. આ લોકોને શ્રદ્ધા સાથે કોઈ લેવાદેવા નથી
Published On - 6:24 pm, Tue, 18 February 25