
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવેલી અનેક શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપમાં સોફ્ટવેર એન્જિનિયર રેને જોશીલ્ડાને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે રેને જોશીલ્ડા એક યુવાન સાથે પ્રેમ સંબંધમાં હતી, પરંતુ તે યુવકે તેણીને રિજેક્ટ કરી દીધી હતી. આ રિજેક્શનનો બદલો લેવા માટે, તેણે બોમ્બ ધમકીના ઇમેઇલ મોકલીને યુવકને ફસાવવાનો કાવતરું ઘડ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રેનેએ VPN (Virtual Private Network) નો ઉપયોગ કરીને ધમકીભર્યા ઇમેઇલ મોકલ્યા હતા. તેણીએ ‘ગેટ કોડ’ નામની એપ મારફતે વર્ચ્યુઅલ મોબાઇલ નંબર મેળવીને આ ગુનો અંજામ આપ્યો હતો.
ધરપકડ કરાયેલી મહિલાના સાત વોટ્સએપ એકાઉન્ટ્સ હોવાનું પણ બહાર આવ્યું છે. અગાઉ પણ રેને જોશીલ્ડાની ધરપકડ બોમ્બ ધમકીના કેસમાં ચેન્નાઈ પોલીસે કરી હતી. દેશના વિવિધ રાજ્યોમાં તેના વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે.
થોડા અઠવાડિયા પહેલા, બેંગલુરુની સાત શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ કારણે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જોકે તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક પદાર્થો મળ્યા નહોતા. બેંગલુરુ ઉત્તર વિભાગની સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરીને ધમકીભર્યા ઇમેઇલ્સના સ્ત્રોત સુધી પહોંચી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ઇમેઇલ્સ માત્ર બેંગલુરુની જ નહીં, પણ ચેન્નાઈ, હૈદરાબાદ અને ગુજરાતની કેટલીક શાળાઓને પણ મોકલવામાં આવ્યા હતા.