
સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની અનામતમાંથી ક્રીમી લેયરને બાકાત કરવાની માંગણી કરતી અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર તેમજ દેશના વિભિન્ન રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. આજે સોમવારે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, ક્રીમી લેયરને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની અનામતનો લાભ ના મળે. સુપ્રીમ કોર્ટે આ અરજી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં આ અરજી સંદર્ભે જવાબ માંગ્યો છે.
આ બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરીને તેના પર સુનાવણી કરવા સંમતિ આપી અને SC અને ST અનામતમાં પણ ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
અરજદારે દાવો કર્યો હતો કે, અનામતનો લાભ મોટાભાગે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના શ્રીમંત અને વિશેષાધિકૃત વર્ગો મેળવી રહ્યા છે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ગરીબો પાછળ રહી ગયા છે.
1 ઓગસ્ટ, 2024 ના રોજ, પોતાના 20 વર્ષ જૂના નિર્ણયને ઉથલાવીને, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ ક્વોટામાં પેટા-શ્રેણીઓ બનાવી શકે છે. બેન્ચે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓને તેમની જાતિના આધારે વિભાજીત કરવાથી બંધારણની કલમ 341નું ઉલ્લંઘન થતું નથી.
સાત ન્યાયાધીશોની બેન્ચના ભાગ રહેલા ન્યાયાધીશ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે, રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જૂથોમાં ક્રીમી લેયરને ઓળખવા અને તેમને અનામત લાભોથી વંચિત રાખવા માટે નીતિ પણ બનાવવી જોઈએ.
જોકે, 9 ઓગસ્ટ, 2024 ના રોજ, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રીમી લેયરનો ખ્યાલ લાગુ કરશે નહીં. કેબિનેટ બેઠક બાદ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, NDA સરકાર બીઆર આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણથી બંધાયેલી છે, જેમાં SC અને ST ક્વોટામાં ક્રીમી લેયર માટે કોઈ જોગવાઈ નથી.
આ પણ વાંચોઃ Breaking News : ચૂંટણી કમિશનર સામે કેસ ના કરી શકવાના અધિકારને પડકારાયો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર- ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ
Published On - 4:17 pm, Mon, 12 January 26