Corona Update: છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણના (Corona Case) બે લાખ કે તેથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પણ દહેશત જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના (Omicron) કુલ 7,743 કેસની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સોમવારે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.8 લાખ હતી. જે શનિવારે વધીને લગભગ 2.7 લાખ પર પહોંચી ગઈ છે.
જો કે ત્રીજી લહેરમાં (Corona Third Wave) મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત બીજી લહેરની સરખામણીમાં હોસ્પિટલોમાં પણ ઓછી ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે દેશમાં વિનાશકારી બીજી લહેર આવી હતી તે હજુ પણ અસ્તિત્વમાં છે. તેથી ઓમિક્રોનની સાથે લોકોને ડેલ્ટા વેરિઅન્ટ અંગે પણ સચેત કરવામાં આવ્યા છે.
દેશમાં સૌથી વધુ દિલ્હી અને મુંબઈમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા હતા. જો કે આ બંને શહેરોમાં કોવિડ ગ્રાફ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ શહેરમાં કોરોના પીક પર આવી ગયો છે. શનિવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
શનિવારે 42,462 નવા કેસ અને 23 મૃત્યુ સાથે ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યુ છે. જ્યારે કર્ણાટકે એક દિવસમાં 32,793 નવા કેસ અને 7 મૃત્યુ સાથે દિલ્હીને પણ પાછળ છોડી દીધુ છે. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે ઓછામાં ઓછા 30 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થવાને કારણે કોવિડ -19 પ્રતિબંધો 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે બંગાળમાં 19,000થી વધુ કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને પગલે કડક વલણ દાખવ્યુ છે. જાહેર રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં રાજકીય પક્ષોને વધુમાં વધુ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકા સુધીની અંદરની બેઠકો યોજવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે WHOએ જણાવી 2 નવી દવા, જાણો કેટલી અસરકારક રહેશે