કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ ખેડૂતોના આંદોલન, લખીમપુર હિંસા, મોંઘવારી, વિદેશ નીતિ અને ચીનની આક્રમકતાના મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને નિશાન બનાવી હતી.
સોનિયાએ ભૂતકાળમાં જમ્મુ -કાશ્મીરમાં અનેક લઘુમતીઓની હત્યાની નિંદા કરી અને કહ્યું કે ગુનેગારોને ન્યાય અપાવવાની અને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને સુમેળ પુન:સ્થાપિત કરવાની કેન્દ્રની જવાબદારી છે. લખીમપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા સોનિયાએ કહ્યું કે તે ખેડૂતોના આંદોલન અંગે ભાજપની વિચારસરણી દર્શાવે છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, સંસદ દ્વારા ભાજપ સરકારે પસાર કરેલા ‘ત્રણ કાળા કાયદા’ કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા જઈ રહ્યા છે.
સરકારનો એજન્ડા, ‘વેચો, વેચો અને વેચો’: સોનિયા
કોંગ્રેસ પ્રમુખે અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો એક જ રસ્તો જાણે છે અને તે છે રાષ્ટ્રીય મિલકતો વેચવી જેને બનાવવા માટે દાયકાઓ લાગ્યા છે. સોનિયાએ આરોપ લગાવ્યો કે, મોદી સરકારનો એક સૂત્રી એજન્ડા વેચો, વેચો અને વેચો છે… દેશમાં કોઈએ કલ્પના પણ નહોતી કરી કે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર, ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયા અને રસોઈ તેલની કિંમત 200 રૂપિયાથી વધારે થશે. તેનાથી લોકોના જીવન પર અસહ્ય બોજ પડી રહ્યો છે.
ચીન મુદ્દે કેન્દ્ર પર પ્રહાર
સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની માંગણી બાદ રસીકરણની નીતિ બદલી અને સહકારી સંઘવાદ હજુ પણ ભાજપ સરકાર માટે માત્ર એક સૂત્ર છે. વિદેશ નીતિના મુદ્દે સરકાર પર નિશાન સાધતા સોનિયાએ કહ્યું હતું કે, દેશમાં વિદેશ નીતિ પર હંમેશા વ્યાપક સર્વસંમતિ રહી છે. પરંતુ મોદી સરકારે વિપક્ષને અર્થપૂર્ણ રીતે સાથે લેવાનો પ્રયાસ કર્યો નથી, જેના કારણે આ સર્વસંમતિ નબળી પડી છે.
સરહદ પર ચીનની આક્રમકતાનો ઉલ્લેખ કરતા સોનિયાએ કહ્યું કે, વડાપ્રધાને ગયા વર્ષે વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે ચીને અમારી સરહદો પર કબજો કર્યો નથી અને ત્યારથી તેઓ જે મૌન જાળવી રહ્યા છે તેની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સરકાર માટે વિદેશ નીતિ, ચૂંટણીનું વાતાવરણ અને ધ્રુવીકરણનું સાધન બની ગયું છે.
આ પણ વાંચો : દિકરીના જન્મની અનોખી ઉજવણી, દિકરીનો જન્મ થતા આ પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને આપ્યું ‘ફ્રી પેટ્રોલ’
આ પણ વાંચો : રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’