
મોંઘવારીમાંથી રાહતની આશા રાખી રહેલા મધ્યમ વર્ગને આગામી મહિનાઓમાં મોટો ઝટકો લાગી શકે છે. દેશની અગ્રણી FMCG કંપનીઓ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. કંપનીઓનું કહેવું છે કે, કાચા માલ, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં સતત વધારાને કારણે કિંમતો વધારવી જરૂરી બની ગઈ છે.
ડાબર ઇન્ડિયાએ સંકેત આપ્યા છે કે, આગામી થોડા મહિનામાં ઉત્પાદનોના ભાવ ફરી વધી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પેકેજિંગ મટિરિયલ અને અન્ય ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે. ડાબર ચાલુ ક્વાર્ટરમાં જ તેના ઘણા ઉત્પાદનોની કિંમતમાં અંદાજે 4 ટકા સુધીનો વધારો કરી ચૂકી છે.
નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીએ FMCG કંપનીઓની પડતર કિંમત પર દબાણ વધાર્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ તથા હોર્મુઝની સામુદ્રધુનીને લઈને અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો તેની અસર પરિવહન, પ્લાસ્ટિક પેકેજિંગ અને ઉત્પાદન ખર્ચ પર પડશે.
હિન્દુસ્તાન યુનિલિવર (HUL), નેસ્લે, બ્રિટાનિયા, ITC, મેરિકો અને ગોદરેજ કન્ઝ્યુમર જેવી મોટી કંપનીઓએ પણ વધતા ઇનપુટ ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. HUL માટે ચા અને પેકેજિંગ મોંઘા થઈ રહ્યા છે, જ્યારે નેસ્લે પર કોફી, દૂધ અને પેકેજિંગ ખર્ચનું દબાણ વધ્યું છે. બીજી તરફ બ્રિટાનિયા અને ITC જેવી કંપનીઓને ઘઉં, દૂધ અને ખાદ્ય તેલોના ભાવમાં વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. આની અસર બિસ્કિટ, સ્નેક્સ અને પેકેજ્ડ ફૂડના ભાવો પર જોવા મળી શકે છે.
જો કે, ગ્રામીણ અને નાના શહેરોમાં FMCG ઉત્પાદનોની માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ કંપનીઓ પર નફો જાળવી રાખવાનું દબાણ પણ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ઘણી કંપનીઓ સીધો ભાવ વધારો કરવાને બદલે પેકેટનું વજન ઘટાડવાની અથવા પ્રીમિયમ ઉત્પાદનો પર વધુ ધ્યાન આપવાની વ્યૂહરચના અપનાવી શકે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી ચાલુ રહેશે અને ચોમાસું અપેક્ષા મુજબ નહીં રહે, તો આગામી સમયમાં સામાન્ય માણસના ઘરના બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.