
સોમવારે એક વકીલે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. મળતા રિપોર્ટ અનુસાર વકીલે હંગામો કરતા-કરતા છેક સીજેઆઈની ખૂબ નજીક પહોંચી ગયો. આ ઘટના દરમિયાન, તેમણે બૂમ પાડીને કહ્યું, “સનાતનનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન…” આ સમગ્ર ઘટના સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમમાં બની હતી. જોકે, હંગામા છતાં કોર્ટ રૂમમાં સુનાવણી ચાલુ રહી. એવું માનવામાં આવે છે કે વકીલ સીજેઆઈની ભગવાન વિષ્ણુ પરની ટિપ્પણીથી ભારે નારાજ હતા.
સપ્ટેમ્બરની શરૂઆતમાં, જસ્ટિસ બી.આર. ગવઈએ ભગવાન વિષ્ણુની પ્રતિમાના પુનર્નિર્માણ અંગેની તેમની ટિપ્પણીઓની સોશિયલ મીડિયા પર ટીકાના જવાબમાં કહ્યું હતું કે તેઓ “બધા ધર્મો”નું સન્માન કરે છે. સુનાવણી દરમિયાન, સીજેઆઈએ કહ્યું, “આ ફક્ત પ્રચાર માટે દાખલ કરાયેલી અરજી છે… જાઓ જઈને સ્વયં ભગવાનને જ આ કેસમાં કંઈક રસ્તો લાવવાનું કહો કે તમે ભગવાન વિષ્ણુમાં ઊંડી આસ્થા રાખો છો તો પ્રાર્થના કરો અને થોડુ ધ્યાન ધરો.”
સીજેઆઈની ટિપ્પણીની વ્યાપક ટીકા કરવામાં આવી હતી, જેને હિન્દુની આસ્થાની શ્રદ્ધાની મજાક તરીકે વર્ણવવામાં આવી હતી. આ પ્રતિક્રિયા બાદ, તેમના પર મહાભિયોગ માટે ઓનલાઈન હાકલ શરૂ થઈ. ટીકાકારોએ તેમના પર ધાર્મિક લાગણીઓ અને ન્યાયતંત્રની ગરિમાનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો. સુપ્રીમ કોર્ટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરોના પરિસરમાં સ્થિત જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી પ્રતિમાને ફરીથી સ્થાપિત કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી.
ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની માથુ કપાયેલી મૂર્તિને પુનઃસ્થાપિત કરવા માટેનની એક વ્યક્તિની યાચિકા અંગે, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું, “જાઓ અને દેવતાને જ કંઈક કરવા માટે કહો. તમે કહો છો કે તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો. તો જાઓ અને હમણાં પ્રાર્થના કરો. આ એક પુરાતત્વીય સ્થળ છે, અને ASI ને પરવાનગીઓ આપવાની જરૂર છે, માફ કરશો.” તેમના નિવેદનથી સોશિયલ મીડિયા પર વિરોધનો માહોલ સર્જાયો, ઘણા લોકોએ તેમના રાજીનામાની માંગ કરી.
Published On - 1:49 pm, Mon, 6 October 25