
વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી બંગાળમાં હિંસા ફાટી નીકળી છે. અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. 400 થી વધુ સ્થળોએ ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, 4 મેથી ઓછામાં ઓછા એક ડઝન સ્થળોએ ચૂંટણી સંબંધિત હિંસા થઈ છે. હિંસા બાદ રાજ્ય સરકારે 10 સભ્યોની ફેક્ટ ફાઈડિંગ સમિતિની જાહેરાત કરી.
આસનસોલના ગોધુલી વિસ્તારમાં ટીએમસીના એક કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જ્યારે હાવડાના ડુમુરજલામાં પણ એક કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. ટોલીગંજ, કસ્બા, બરુઈપુર, કામરહાટી, બારાનગર, હાવડા અને બહેરામપુરમાં ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
બીરભૂમ (ટીએમસી સમર્થકો), ન્યુટાઉન (ભાજપ સમર્થકો) અને અન્ય બે સ્થળોએ કાર્યકરોની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન ટીએમસી કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યા બાદ ભાજપ કાર્યકર મધુ મંડલનું મૃત્યુ થયું હતું. બીરભૂમના નાનૂરમાં ભાજપ કાર્યકર દ્વારા ટીએમસી કાર્યકર અબીર શેખ પર કથિત રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી વાર તે અહીં સરકાર બનાવી રહી છે. 9 મેના રોજ નવી સરકાર શપથ લેશે. ભાજપે 207 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો, જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. મમતા બેનર્જી પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. ભવાનીપુરમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. સુવેન્દુએ તેમને 15,114 મતોથી હરાવ્યા.