Ramoji Rao Death : રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા, 87 વર્ષની વયે થયું નિધન

|

Jun 08, 2024 | 8:17 AM

Ramoji Rao Death : રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા. આજે સવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. આ સમાચારથી ફેન્સ અને ઘણા સેલેબ્સ ચોંકી ગયા છે.

Ramoji Rao Death : રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા, 87 વર્ષની વયે થયું નિધન
Ramoji Film City founder Ramoji Rao passed away

Follow us on

Ramoji Rao passed away : સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું છે. પ્રતિષ્ઠિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મ સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા. રામોજીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રામોજી રાવના નિધન પર ઘણા સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

રામોજી રાવને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફને કારણે 5 જૂનના રોજ હૈદરાબાદના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા . પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આજે વહેલી સવારે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.

તમને જણાવી દઈએ કે રામોજી રાવે થોડા વર્ષો પહેલા આંતરડાના કેન્સર સામે સફળતાપૂર્વક લડત આપી હતી. રામોજી રાવ લાંબા સમયથી લાંબી બીમારી અને વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા.

રામોજી રાવ કોણ હતા?

રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણે વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવ્યો. તેમના બિઝનેમાં માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, ETV નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલાંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટેલ્સનો સમાવેશ થાય છે.

પદ્મ વિભૂષણથી સન્માનિત છે

એક મીડિયા દિગ્ગજ તરીકે રામોજી રાવનો તેલુગુ રાજકારણ પર મહત્ત્વનો પ્રભાવ હતો. તેમના ઘણા રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો હતા જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા. પત્રકારત્વ, સાહિત્ય, સિનેમા અને શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ભારત સરકારે તેમને 2016માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.

રામોજી રાવે ઘણી ક્લાસિક ફિલ્મો બનાવી

રામોજી રાવે 1984ના બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને મયુરી, પ્રતિઘાટન, મૌના પોર્ટમ, મનસુ મમતા, ચિત્રમ અને નુવવે કાવલી સહિત અનેક ક્લાસિક્સનું નિર્માણ કર્યું છે.

 

Published On - 7:51 am, Sat, 8 June 24

Next Article