
ભારત સરકાર કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. વધતી જતી મોંધવારી અને ફુગાવાને ધ્યાને લઈ નિવૃત્ત જીવન વિતાવતા લોકોના વધતા જતા જીવન ખર્ચને પહોચી વળે તે માટે, સરકાર અટલ પેન્શન યોજના (APY) હેઠળ પૂરી પાડવામાં આવતી લઘુત્તમ પેન્શનની ઉપલી મર્યાદા વધારીને રૂપિયા 10,000 પ્રતિ માસ કરવાનું વિચારી રહી છે. આ માહિતી નામ ન આપવાની શરતે ત્રણ અધિકારીઓ હવાલાથી મીડિયામાં અહેવાલ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ભારતમાં, “અસંગઠીત કામદારો” નો અર્થ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીનો થાય છે. આ ક્ષેત્ર નોકરીની સુરક્ષા, નિશ્ચિત પગાર અથવા સામાજિક સુરક્ષા લાભો ( જેવા કે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અથવા પેઇડ રજા) ના અભાવ દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ કામદારો દેશના કુલ કાર્યબળના આશરે 90 % છે, જેમાં લારી ધારકો, ફેરિયાઓ, ઘરેલુ કામદારો, મજૂરો અને નાનો છુટક ધંધો કરતા સ્વરોજગારનો સમાવેશ થાય છે.
અટલ પેન્શન યોજના મે 2015 માં શરૂ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના મજૂરો, ખેડૂતો, દુકાનદારો અને નાના વ્યવસાય માલિકોને વૃદ્ધાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. હાલમાં, આ યોજના 60 વર્ષની ઉંમર પછી રૂપિયા 1,000 થી 5,000 સુધીની ગેરંટીકૃત માસિક પેન્શન આપવામાં આવે છે. જો કે, વધતી જતી મોંધવારીને કારણે, આ રકમ જીવન નિર્વાહ માટે અપૂરતી સાબિત થઈ રહી છે.
આજ સુધીમાં, 90 મિલિયન (9 કરોડ) થી વધુ સભ્યોએ અટલ પેન્શન યોજનામાં નોંધણી કરાવી છે. જો કે, આમાંથી લગભગ અડધા સભ્યોએ નિયમિત યોગદાન આપવાનું બંધ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2025-26 માં નવા સભ્યોનો અત્યાર સુધીનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 13.5 મિલિયન (1.35 કરોડ) વ્યક્તિઓ યોજનામાં જોડાયા છે. સરકાર માને છે કે પેન્શન મર્યાદા વધારવાથી નવા સભ્યો આકર્ષાશે અને હાલના સભ્યોને યોજનામાં સક્રિય સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
નાણા મંત્રાલય અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) સંયુક્ત રીતે આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. પેન્શન રકમની ઉપલી મર્યાદા રૂપિયા 8,000 થી વધારીને રૂપિયા 10,000 પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ફેરફાર યોજનાને વધુ આકર્ષક બનાવશે અને તેને જીવન નિર્વાહ માટે વધતા જતા ખર્ચ સાથે સુસંગત થશે.”
31 માર્ચ, 2016 પહેલા નોંધણી કરાવનારા સભ્યોને શરૂઆતના પાંચ વર્ષ માટે સરકાર તરફથી સહ-યોગદાન મળ્યું હતું. આ રકમ સભ્યના યોગદાનના 50 % જેટલી હતી (વર્ષે મહત્તમ રૂપિયા 1,000 સુધી). આ લાભ ફક્ત એવા વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ હતો, જેમણે આવકવેરો ચૂકવ્યો ના હોય. અને અન્ય કોઈપણ સામાજિક સુરક્ષા યોજનામાં નોંધણી કરાવી ના હોય.