
વડાપ્રધાન મોદીના આહ્વાન પછી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ મોટો નિર્ણય લીધો છે. ઇંધણનો વપરાશ બચાવવા માટે, ગડકરી પોતાનો કાફલો ઘટાડશે અને પોતે બસમાં મુસાફરી કરશે. તેઓ 14 મે અને 15 મેના રોજ પુણેના સતારા અને સોલાપુરનો પ્રવાસ કરશે. આ પ્રવાસ તે બસ દ્વારા કરશે. તેનો સુરક્ષા સ્ટાફ અને પત્રકાર તેની સાથે બસમાં જ મુસાફરી કરશે. માર્ગ પરિવહન મંત્રાલયે આ માહિતી આપતી એક નોટિસ જાહેર કરી છે.
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ કેન્દ્રિય મંત્રી 14 અને 15 મે 2026ના સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ પ્રોજેક્ટનું પરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ઉર્જા સુરક્ષા અને ઈંધણ બચાવવાનું આહ્વાન કર્યું છે. આ માટે કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓ,પત્રકારો અને સુરક્ષા કર્મચારીઓની સાથે બસમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપન અને લોકોની સુવિધામાં પણ સુધારો થશે.
સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને કરકસર અપનાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની અસર હવે કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યોની મુલાકાતોમાં જોવા મળી રહી છે.મંત્રાલયે પુણે,સતારા અને સોલાપુરના જિલ્લા કલેક્ટર અને પોલિસ અધીક્ષકને પત્ર લખી અપીલ કરી કે, યાત્રા દરમિયાન કાફલામાં ગાડીઓની સંખ્યા 50 ટકા ઓછી કરવામાં આવે.વડાપ્રધાને આગામી એક વર્ષ માટે સોનું ન ખરીદવા અપીલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ હૈદરાબાદમાં જનસભાને સંબોધિત કરી દેશવાસીઓને અપીલ કરી હતી કે, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ જેટલો બની શકે. તેટલો ઓછો કરે. ઈલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારેમાં વધારે ઉપયોગ કરે. તેમજ કાર પૂલિંગને પ્રોત્સાહન આપે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ અનેક નેતાઓ અને અધિકારીઓને ઈંધણનો ઉપયોગ ઓછો કરવાનું શરુ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઓછી કરી છે. હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.