
મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈ,પુમે અને થાણે સહિત આખા રાજ્યમાં વરસાદે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેન પણ રદ કરવી પડી હતી. તેમજ પુણેથી મુંબઈ જનારી ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. સતત વરસાદ પડી રહ્યો છે. તેના કારણે આજે તમામ સરકારી ,અને પ્રાઈવેટ શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ રવિવારે સાંજે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.IMDએ ભારે વરસાદ સિવાય ભારે પવન ફેંકાવાની પણ આગાહી કરી છે.જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સરકારી અને ખાનગી કચેરીઓ સામાન્ય રીતે કામ કરશે. લોકોને પણ જરૂરી હોય ત્યારે જ ઘર છોડવા અપીલ કરવામાં આવી છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેનાથી રસ્તા પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. 30 જૂનથી અત્યારસુધી આ ઘટનાઓમાં એક વિદ્યાર્થી સહિત 3 લોકોના મૃત્યું થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે,પુણે,થાણે અને પાલઘર જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ આવી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પુણે જિલ્લા વહીવટીતંત્રે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે, એમ જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું.
આ વચ્ચે આઈએમડી દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીને લઈ વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખી મુંબઈ યુનિવર્સિટીએ 6 જુલાઈના રોજ લેવામાં આવનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે. સતત મુશળધાર વરસાદથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વસઈ પૂર્વમાં, લગભગ પાંચ ફૂટ પાણી અનેક ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગ લોટમાં ડૂબી ગયું હતું.