
સુપ્રીમ કોર્ટમાંથી ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મેળવનાર હરીશ રાણાએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પેસિવ યુથેનેસિયા (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) માટેની પ્રક્રિયા હેઠળ તેમનુ અવસાન થયું છે. છેલ્લા 10 દિવસથી તેમના ખોરાક પાણી સદંતર બંધ કરવામાં આવ્યા હતા અને તેમને કોઈ કષ્ટ ન પડે તે માટે તેમને દવાઓ આપવામાં આવી રહી હતી. હરીશ રાણાના અંતિમ સંસ્કાર ગરીમાપૂર્ણ રીતે અને કોઈપણ કષ્ટ વિના થાય તે માટે ડૉક્ટર્સની ટીમ દ્વારા સતત તેમની દેખરેખ રાખવામાં આવી રહી હતી. PTI એ સૂત્રોને ટાંકીને આ અહેવાલની પુષ્ટિ કરી છે.
ભારતમાં, આ પ્રક્રિયા સખ્ત કાનૂની અને મેડિકલ ગાઈડલાઈન્સ હેઠળ જ શક્ય છે. આ જ કારણોસર હરીશને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલના પેલિએટિવ કેર વિભાગમાં અનેક ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં, તેમનો પોષણ સહાય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે અન્ય તબીબી પ્રોટોકોલનો અમલ કરવામાં આવ્યો. પરિણામે, હરીશનું આજે અવસાન થયું છે.
હરીશ રાણા 13 વર્ષથી કોમામાં હતા. છત પરથી આકસ્મિક રીતે પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓ કોમામાં સરી પડ્યા હતા. તેના માતાપિતાએ દેશની અનેક અગ્રણી હોસ્પિટલોમાં તેની સારવાર કરાવી, છતાં હરીશ ક્યારેય કોમામાંથી બહાર ન આવી શક્યા. તમામ મોટા ડૉક્ટર્સે હરીશના ફરી સ્વસ્થ થવાની શક્યતા નકારી દીધી હતી. તેમ છતાં, છેલ્લા 13 વર્ષથી પરિવાર તેમની સારવાર કરાવી રહ્યો હતો. હરીશની સારવારનો માસિક ખર્ચ આશરે ₹60,000 થી ₹70,000 જેટલો હતો. પરિણામે, પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. જ્યારે હરીશના સ્વસ્થ થવાની કોઈ જ આશા ન બચી ત્યારે તેના પરિવારે કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં તેમને આખરે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મળી.
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે જેમાં તબીબી સારવારને સીમિત અથવા તો સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવે છે. આવુ ત્યારે કરવામાં આવે છે જ્યારે દર્દીના સ્વસ્થ થવાની કોઈ જ શક્યતા બચી ન હોય અને તે અસહ્ય પીડા સહન કરી રહ્યા હોય. ભારતમાં, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેટલીક શરતો સાથે તેને અનુસરવામાં આવે છે. જેમા દર્દીને ધીમે ધીમે પોષણ આપવાનું બંધ કરવામાં આવે છે. જેથી કરીને એ વાતનું ધ્યાન રહે કે તેને કોઈ પ્રકારની પીડા સહન ન કરવી પડે. આ દરમિયાન તેમને કોઈ પીડા કે દુખાવો ન થાય તેના માટે તેમને દવાઓ આપવામાં આવે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 6:30 pm, Tue, 24 March 26