
ઉત્તરાખંડના ચાર ધામ પૈકી ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય રવિવારે યોજાયેલ ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગંગોત્રી મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ ફક્ત ગંગોત્રી મંદિર સંકુલ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા ગામમાં પણ અસરકારક રીતે અમલમાં રહેશે.
શ્રી ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ, સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, સમિતિએ ધાર્મિક પરંપરાઓ અને શ્રદ્ધા સંબંધિત પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ગંગોત્રી મંદિર વિસ્તારની પવિત્રતા અને પરંપરાગત વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સમિતિએ જણાવ્યું હતું કે, નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સ્તરે જરૂરી વ્યવસ્થા કરવામાં પણ આવશે.
આ નિર્ણય બાદ ઉત્તરાખંડ રાજ્યના અન્ય મુખ્ય મંદિરોમાં પણ આ જ પ્રકારે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા અંગેની ચર્ચાઓ તેજ થઈ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ તો સંકેત પણ આપ્યો છે કે આગામી બોર્ડ બેઠકમાં આવો જ પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સમિતિ હેઠળના અન્ય મંદિરો માટે બિન હિન્દુના પ્રવેશ વ્યવસ્થા અંગેની નીતિ પર પણ વિચાર કરવામાં આવશે. જોકે, બોર્ડ બેઠક પછી જ બદ્રીનાથ-કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળોએ, બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ બાબતે સમયાંતરે ચર્ચાઓ ચાલી રહી છે. ભૂતકાળમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ ઉઠાવવામાં આવી છે, જેમાં હરિદ્વારની હર કી પૌડી અને અન્ય મંદિરોનો સમાવેશ થાય છે. આ માંગણીને હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશનના 1916ના બાયલોઝ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે બ્રિટિશ યુગથી અમલમાં હોવાનું કહેવાય છે. આ નિયમોને ટાંકીને, ગંગા સભા સાથે સંકળાયેલા કેટલાક સંગઠનો અને વ્યક્તિઓએ ધાર્મિક પરંપરાઓના રક્ષણના નામે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.