
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ચંદ્રયાન-2 મિશન દ્વારા ચંદ્ર વિશે વધુ એક મોટું રહસ્ય ખુલ્યું છે. અમદાવાદ સ્થિતિ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણી ધ્રુવ ખુબ ઠંડા અને અંધરા ક્રેટરો વચ્ચે બરફના મજબુત સંકેત શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ શોધ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહતો સ્થાપવા, પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને અવકાશ મિશન માટે બળતણ ઉત્પન્ન કરવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ શોધ ચંદ્રયાન-2 ઓર્બિટરમાં લાગેલા ડુએલ ફ્રીક્વન્સી અપર્ચર રડારના ઉપકરણમાંથી મળેલા ડેટા આધાર પર કરવામાં આવેલી છે. આ માઈક્રોવેવ ઈમેજિંગ ટેકનિક ચંદ્રની સપાટી નીચે ઊંડાણમાં તપાસ કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોએ દક્ષિણ ધ્રુવ પર ઘણા ખાડાઓનો અભ્યાસ કર્યો, જેમાં ફૌસ્ટિની ખાડાની અંદર સ્થિત લગભગ 1.1 કિલોમીટર પહોળા નાના ખાડામાં બરફના સૌથી મજબૂત ચિહ્નો મળ્યા.
આ સંશોધન ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં પાણી અથવા બરફની હાજરી સૂચવતા વધતા વૈજ્ઞાનિક પુરાવાઓને વધુ મજબૂત બનાવે છે. ચંદ્રયાન-2 દ્વારા કરવામાં આવેલા અગાઉના અભ્યાસોમાં ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ અને હાઇડ્રોક્સિલના સંકેતો પણ મળ્યા છે. તાજેતરના વર્ષોમાં, ઓર્બિટરે ઉચ્ચ-રિઝોલ્યુશન ધ્રુવીય નકશા બનાવ્યા છે, જે બરફના વિસ્તારોને ઓળખવામાં મદદ કરી રહ્યા છે.
ISRO અનુસાર, ચંદ્રયાન-2 નું DFSAR એક મુખ્ય ટેકનોલોજીકલ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે કારણ કે તે ચંદ્રનો અભ્યાસ કરવા માટે વિશ્વનું પ્રથમ સંપૂર્ણ ધ્રુવીય સિન્થેટિક એપરચર રડાર છે, જે L-બેન્ડ અને S-બેન્ડ બંને ફ્રીક્વન્સીઝ પર કાર્યરત છે. 2019 માં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, ઓર્બિટરે હજારો ડેટા સેટ જનરેટ કર્યા છે જેણે ચંદ્રની સપાટી અને તેની રચના વિશેની આપણી સમજણમાં ફાળો આપ્યો છે.