દિલ્હી વિસ્ફોટ બાદ, દેશના પાંચ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ઉડાન દરમિયાન બોમ્બ હોવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. આ પછી, વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હી વિસ્ફોટ બાદ, દેશના પાંચ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી
Image Credit source: Gemini
| Updated on: Nov 12, 2025 | 8:39 PM

દેશના પાંચ એરપોર્ટ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વ્યાપક ગભરાટ ફેલાયો છે. બુધવાર (12 નવેમ્બર) બપોરે 3:30 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સને પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદ છે. જોકે, હાલમાં તે જાણી શકાયું નથી કે આ ઇમેઇલ કોણે મોકલ્યો છે. ક્યાથી મોકલ્યો છે.

મુંબઈથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વિમાને વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાને વિલંબ કર્યા વિના તાત્કાલિક આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું.

વિમાનમાં 182 મુસાફરો સવાર હતા

બધા મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વિમાનમાં 182 મુસાફરો સવાર હતા. અધિકારીઓએ ધમકીના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન બહાર પાડ્યું

એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, “અમારી વારાણસી જતી ફ્લાઇટમાંથી એકને ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, સરકાર દ્વારા નિયુક્ત બોમ્બ ધમકી મૂલ્યાંકન સમિતિને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તમામ જરૂરી સુરક્ષા પગલાં તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા હતા. ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરાણ કરી અને બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. તમામ ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી વિમાનને કામગીરી માટે છોડી દેવામાં આવશે.”

દિલ્હી પોલીસનું નિવેદન

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, “આજે સાંજે 4 વાગ્યે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 3 પર બોમ્બ હોવાની જાણ ફાયર બ્રિગેડને મળી હતી. જોકે, ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ તે ખોટો સાબિત થયો. આ ઇમેઇલ ઇન્ડિગોના ફરિયાદ પોર્ટલ પર પ્રાપ્ત થયો હતો. તેમાં દિલ્હી, ચેન્નાઈ અને ગોવા સહિત અન્ય ઘણા એરપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માહિતી બાદ, તમામ સ્થળોએ સાવચેતી તપાસ હાથ ધરવામાં આવી હતી.”

દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ, દેશભરના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. એરપોર્ટની અંદર અને બહાર CISF અને એરપોર્ટ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

 

દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.