સુપ્રીમ કોર્ટ દેશમાં ‘ધાર્મિક યુદ્ધો ભડકાવે છે, તેવા ભાજપના સાંસદના નિવેદને મચાવ્યો હોબાળો, ભાજપે છોડ્યો સાથ, કહ્યું આ તેમના અંગત વિચાર

Nishikant Dubey's controversial statement : સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર આરોપ લગાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટ દેશમાં 'ધાર્મિક યુદ્ધો ભડકાવવા' માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવો જ હોય ​​તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટને પણ એવો પણ સવાલ કર્યો કે "તમે ચૂંટાયેલા અધિકારીને કેવી રીતે સૂચના આપી શકો ?"

સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધો ભડકાવે છે, તેવા ભાજપના સાંસદના નિવેદને મચાવ્યો હોબાળો, ભાજપે છોડ્યો સાથ, કહ્યું આ તેમના અંગત વિચાર
| Edited By: | Updated on: Apr 20, 2025 | 11:07 AM

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ સાંસદ નિશિકાંત દુબે દ્વારા સુપ્રીમ કોર્ટ અને દેશના મુખ્ય ન્યાયાધીશ અંગે આપેલા નિવેદન બાદ ઉગ્ર વિવાદ શરૂ થયો છે. વિપક્ષે નિશિકાંત દુબેના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી છે, જો કે, ભારતીય જનતા પાર્ટીએ, નિશિકાંત દુબેના આ નિવેદનથી પોતાને દૂર રાખી છે. નિશિકાંત દૂબે ઉપરાંત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ પણ સુપ્રીમ કોર્ટને લઈને ટિપ્પણી કરી હતી.

પોતાના સાંસદના નિવેદનને લઈને વિવાદ વધતાં, ભાજપે ગઈકાલે શનિવારે સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ (CJI સંજીવ ખન્ના) વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓથી પાર્ટીએ અંતર બનાવી રાખ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ ટિપ્પણીઓને તેમના અંગત વિચારો ગણાવીને નકારી કાઢી હતી. પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે ભાજપને તેના સાંસદો નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા દેશની ન્યાયતંત્ર અને મુખ્ય ન્યાયાધીશ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ તેમની અંગત ટિપ્પણીઓ છે.

તો સંસદ અને વિધાનસભા બંધ કરી દો

ઝારખંડના ગોડ્ડાથી લોકસભા સાંસદ નિશિકાંત દુબે પોતાના તેજાબી નિવેદનોને કારણે અનેકવાર ચર્ચા અને વિવાદમાં રહે છે. નિશિકાંતે શનિવારે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ અને વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. સાંસદ નિશિકાંત દુબેએ ગઈકાલે સુપ્રીમ કોર્ટ પર દેશમાં ‘ધાર્મિક યુદ્ધો ભડકાવવા’ માટે જવાબદાર હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવો જ હોય ​​તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.

દુબેએ સમાચાર એજન્સી ANI ને કહ્યું હતું કે, “દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓથી આગળ વધી રહી છે. જો કોઈને દરેક બાબત માટે સુપ્રીમ કોર્ટ જવું પડે છે, તો સંસદ અને રાજ્યોની વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ.” તેમણે કહ્યું, “એક કલમ 377 હતી, જેમાં સમલૈંગિકતાને મોટો ગુનો માનવામાં આવતો હતો. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર પણ માનતું હતું કે આ દુનિયામાં ફક્ત 2 જ જાતિઓ છે, કાં તો પુરુષ હોય કે સ્ત્રી… પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે શીખ હોય, દરેક વ્યક્તિ માને છે કે સમલૈંગિકતા એક ગુનો છે.”

તેમણે આગળ કહ્યું, “પરંતુ એક સવારે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અમે આ મામલો સમાપ્ત કરીએ છીએ. બંધારણની કલમ 141 કહે છે કે અમે જે કાયદા બનાવીએ છીએ, જે નિર્ણયો આપીએ છીએ તે નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ પડે છે. કલમ 368 કહે છે કે સંસદને તમામ પ્રકારના કાયદા બનાવવાનો અધિકાર છે જ્યારે સુપ્રીમ કોર્ટને કાયદાનું અર્થઘટન કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને બિલો અંગે શું કરવાનું છે તે જણાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.”

તમે સંસદને સૂચના આપશો ?

તેમણે વધુમાં કહ્યું, “જ્યારે રામ મંદિર, કૃષ્ણ જન્મભૂમિ કે જ્ઞાનવાપીના કેસ સામે આવે છે, ત્યારે તમે (SC) કહો છો કે ‘અમને કાગળો બતાવો’. મુઘલોના આગમન પછી બનેલી મસ્જિદો માટે, તમે પૂછી રહ્યા છો કે કાગળો ક્યાંથી બતાવવા.” નિશિકાંતે વધુમાં આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ આ દેશને “અરાજકતા” તરફ લઈ જવા માંગે છે.

ભાજપના સાંસદે પ્રશ્ન કર્યો, “તમે ચૂંટાયેલા અધિકારીને કેવી રીતે સૂચના આપી શકો છો? રાષ્ટ્રપતિ દેશના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. જ્યારે સંસદ દેશનો કાયદો બનાવે છે. શું તમે તે સંસદને સૂચનાઓ આપશો? તમે નવો કાયદો કેવી રીતે બનાવ્યો? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે? આનો અર્થ એ છે કે તમે આ દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો.” તેમણે કહ્યું કે જ્યારે સંસદ બેસશે ત્યારે આ અંગે વિગતવાર ચર્ચા થશે.

નિશિકાંત દુબેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીયતાને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે.

 દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.