દિલ્હીનો મુખ્યમંત્રી કોણ હશે? આ સસ્પેન્સ પર આજે 12 દિવસ બાદ પૂર્ણ વિરામ મુકાયુ છે. ભાજપે આજે વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવી છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ રામલીલા મેદાનમાં થવાના છે. નવા મુખ્યમંત્રીને લઈને અનેક નામો પર ચર્ચા ચાલી રહી હતી. આ લિસ્ટમાં સૌથી પહેલા પ્રવેશ વર્માનું નામ હતુ. વિધાયક દળના નેતા ચૂંટવાની પ્રક્રિયાના નિરીક્ષક ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જેમા શાલીમાર બાગથી ધારાસભ્ય અને દિલ્હી મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રેખા ગુપ્તાને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા અને દિલ્હીના સીએમ તરીકે તેમના પર ભાજપે પસંદગી ઉતારી છે.
બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખરે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને દરેકનો અભિપ્રાય જાણ્યા પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી. આ પહેલા મુખ્યમંત્રી પદ માટે ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ રેખા ગુપ્તાએ બધાને પાછળ છોડીને બાજી મારી હતી. તેમના નામની જાહેરાત સાથે જ પાર્ટી કાર્યાલયમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને સમર્થકોએ જોરથી જયઘોષ કર્યો હતો.
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાના ઘરે ઉજવણીનો માહોલ છે. તેમના સમર્થકો ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમના પરિવારના સભ્યોનું ફૂલમાળાથી સ્વાગત કર્યું હતું. ભાજપના કાર્યકરોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રેખા ગુપ્તાની મુખ્યમંત્રી તરીકે પસંદગી થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સવારે 12.30 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
#WATCH | Delhi: Visuals from the residence of BJP MLA elect Rekha Gupta; her supporters gather outside. pic.twitter.com/VdtCs0g3qO
— ANI (@ANI) February 19, 2025
હાલમાં રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુરુવારે સવારે 11 વાગ્યા પછી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં 25 થી 30 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આઉટગોઇંગ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવિંદર યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપના ઘણા ટોચના નેતાઓ અને અન્ય મહાનુભાવો પણ આ શપથ ગ્રહણ સમારોહનો હિસ્સો બનશે.
દિલ્હીના રાજકારણમાં આ એક મોટો બદલાવ છે. આમ આદમી પાર્ટી (AAP) એ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સતત ત્રણ વખત સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે ભાજપ ફરી સત્તામાં આવી છે. રેખા ગુપ્તાએ હવે રાજધાનીની નવી દિશા નક્કી કરવી પડશે અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. તેમની સામે ઘણા પડકારો હશે, પરંતુ પાર્ટી અને તેમના સમર્થકોને વિશ્વાસ છે કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
Published On - 8:13 pm, Wed, 19 February 25