
ભારત માટે ઊર્જા સુરક્ષા અને દેશમાં જ તેનું ઉત્પાદન વધારવાના મોરચે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી સરકારી તેલ કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડને આંદામાન સમુદ્રના ઊંડા પાણીમાં કુદરતી ગેસ (Natural Gas) શોધવામાં મોટી સફળતા મળી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી અને ઓઇલ ઇન્ડિયાની ટીમને આ મોટી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. તમને જણાવી દઈએ કે, ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી ઊંડા સમુદ્રમાં તેલ અને ગેસની શોધનું અભિયાન ચલાવી રહી છે. એવામાં આ નવી સફળતા અભિયાનને એક નવી તેમજ મજબૂત દિશા આપશે. આ સફળતા ભારતને ગેસ ભંડારમાં આત્મનિર્ભર બનાવવામાં પણ મોટી મદદ કરનારી સાબિત થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ ગેસ ભંડાર આંદામાન દ્વીપસમૂહના પૂર્વ કિનારા (East Coast) થી આશરે 15 કિલોમીટર દૂર સમુદ્રમાં 355 મીટરની ઊંડાઈ પર સ્થિત ‘શ્રી વિજયપુરમ-3’ નામના તેલના કૂવામાં આ સફળતા મળી છે. અહીં કંપનીને હાઇડ્રોકાર્બન ગેસ હાજર હોવાની માહિતી મળી છે.
Congratulations @OilIndiaLimited !
An ocean of energy opportunities reinforced in the Andaman Sea!
Very happy to report the presence of natural gas in Sri Vijayapuram-3 an exploratory well drilled by Oil India Ltd. 15 km off the east coast of the Andaman Islands at a water… pic.twitter.com/j6QvWqZkFx— Hardeep Singh Puri (@HardeepSPuri) June 5, 2026
ઓઇલ ઇન્ડિયા કંપનીએ સમુદ્રની નીચે જમીનમાં 1900 મીટરથી વધુની ઊંડાઈ સુધી ખોદકામ કરીને પ્રારંભિક ટેસ્ટ કર્યો. ટેસ્ટ દરમિયાન ગેસને સતત ફ્લેરિંગ (જ્વાળા) ના માધ્યમથી સળગાવવામાં આવ્યો. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ત્યાં ગેસનો ભંડાર છે.
હાલમાં કંપની ગેસના નમૂના (સેમ્પલ) એકઠા કરી રહી છે, જેથી તેની સાચી સંરચના અને ઊર્જા ક્ષમતાની ખબર પડી શકે. આ સાથે જ, ગેસ ક્યાં અને કેવી રીતે બન્યો છે તે જાણવા માટે તેનું આઇસોટોપ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘સમુદ્ર મંથન મિશન’ હેઠળ દેશના અપતટીય (Offshore) બેસિનોમાં મોટી સંખ્યામાં ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર અન્વેષણ (શોધખોળ) કૂવાઓની યોજના બનાવવામાં આવી છે, જેથી આપણા હાઇડ્રોકાર્બન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય.
આંદામાન બેસિનમાં ચલાવવામાં આવી રહેલા વર્તમાન અન્વેષણ અભિયાન હેઠળ OIL દ્વારા ડ્રિલ કરવામાં આવેલા ત્રણ અન્વેષણ કૂવાઓમાંથી હવે બે કૂવામાં હાઇડ્રોકાર્બનની હાજરી નોંધાઈ ચૂકી છે.
કુદરતી ગેસની આ શોધ આપણી અન્વેષણ મહત્વકાંક્ષાઓને આગળ વધારવામાં મદદ કરશે અને આપણને વૈશ્વિક ડીપવોટર અન્વેષણ નિષ્ણાતો સાથે મળીને કામ કરવાની તક આપશે. આ અમૃત કાળની યાત્રામાં ભારત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ (માઇલસ્ટોન) સાબિત થશે.