
હવે ખાદ્ય તેલ (ખાવાનું તેલ) ખરીદતી વખતે ગ્રાહકોએ 750 મિલીલીટર, 900 મિલીલીટર કે 3.5 લીટર જેવા અલગ-અલગ અને મૂંઝવણ ઊભી કરતા પેક સાઇઝથી પરેશાન થવું નહીં પડે.
ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ખાદ્ય તેલો માટે સ્ટાન્ડર્ડ પેક સાઇઝ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે, આનાથી ગ્રાહકો માટે વિવિધ બ્રાન્ડ્સની કિંમતોની તુલના કરવાનું સરળ બનશે અને તેઓ ખરીદીનો યોગ્ય નિર્ણય લઈ શકશે.
નવા નિયમ હેઠળ ખાદ્ય તેલ ઉત્પાદકો અને આયાતકારો હવે માત્ર નક્કી કરાયેલી પેક સાઇઝમાં જ પોતાની પ્રોડક્ટ્સ વેચી શકશે. આમાં 200 મિલીલીટર, 500 મિલીલીટર, 1 લીટર, 2 લીટર, 4 લીટર, 5 લીટર સહિત કુલ 9 સ્ટાન્ડર્ડ સાઇઝ છે. આ નિયમ દેશમાં બનેલા અને આયાત કરાયેલા (વિદેશથી મંગાવાતા) બંને પ્રકારના ખાદ્ય તેલો પર લાગુ થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી કંપનીઓ 750ml, 900ml, 2.5 લીટર અને 3.5 લીટર જેવા નોન-સ્ટાન્ડર્ડ પેક બજારમાં વેચી રહી હતી. અલગ-અલગ કંપનીઓની અલગ પેક સાઇઝ હોવાને કારણે ગ્રાહકો માટે એ સમજવું મુશ્કેલ બની જતું હતું કે, કઈ બ્રાન્ડ વાસ્તવમાં સસ્તી છે અને શેમાં વધુ ફાયદો મળી રહ્યો છે.
Edible Oils | Standard Pack Sizes
उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय ने खाद्य तेलों के लिए standard pack sizes का नियम लागू किया है.
अब 200 ml, 500 ml और 1,2,4 और 5 लीटर के पैक ही मिलेंगे.
पहले 750 ml, 900 ml से लेकर 2.5 या 3.5 लीटर के पैक मिलने लगे थे. हर… pic.twitter.com/FnVoY4yip7
— SansadTV (@sansad_tv) June 6, 2026
સરકારનું કહેવું છે કે, એક સરખી પેક સાઇઝ હોવાથી ગ્રાહકો સરળતાથી પ્રતિ લીટર કિંમતની સરખામણી કરી શકશે અને ખરીદી દરમિયાન તેમને વધુ પારદર્શિતા મળશે.
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, આ નિયમ મુખ્ય ખાદ્ય તેલો જેવા કે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ, સૂર્યમુખી તેલ (સનફ્લાવર ઓઇલ), રાયડાનું તેલ (મસ્ટર્ડ ઓઇલ) અને સીંગતેલ (મગફળીનું તેલ) સહિત અન્ય તમામ ખાદ્ય તેલો પર લાગુ થશે.
સરકારે કંપનીઓને નવી પેક સાઇઝ લાગુ કરવા માટે ત્રણ મહિનાની મહોલત (સમય) આપી છે. ટૂંકમાં કંપનીઓને નવા નિયમો અનુસાર પેકેજિંગ બદલવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
સરકારે એમ પણ કહ્યું છે કે, જે પેકેટો પર તેલનો જથ્થો લીટર કે મિલીલીટરમાં લખવામાં આવશે, તેના પર બરાબર વજનની (ગ્રામ કે કિલોગ્રામમાં) માહિતી આપવી પણ ફરજિયાત રહેશે. આનાથી ગ્રાહકોને કિંમત અને જથ્થાની સરખામણી કરવામાં વધુ સરળતા રહેશે.
200 મિલીલીટરથી નાના પેક અને અમુક મર્યાદિત શ્રેણીના ખાદ્ય તેલોને આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે, ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે સસ્તા નાના પેક ઉપલબ્ધ રાખવાના હેતુથી આવું કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ખાદ્ય તેલ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
આ સંગઠનો દેશના અંદાજે 90 ટકા ખાદ્ય તેલ બજારનું પ્રતિનિધિત્વ કરે છે. સરકારને આશા છે કે, નવા નિયમથી બજારમાં પારદર્શિતા વધશે, ગેરમાર્ગે દોરતા પેકેજિંગ પર રોક લાગશે અને ગ્રાહકોને યોગ્ય કિંમતે સાચી વસ્તુ પસંદ કરવામાં મદદ મળશે.