કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

ગુરુવારે કપિલ સિબ્બલના ઘરની બહાર કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ, નારાજગી વ્યક્ત કરી હતી. શર્માએ ટ્વિટ કરીને લખ્યું કે, "કપિલ સિબ્બલના ઘરે હુમલા અને ગુંડાગીરીના સમાચાર સાંભળીને આઘાત અને નિરાશા થઈ છે. આવા કૃત્ય પક્ષને બદનામ કરે છે અને તેની સખત નિંદા થવી જોઈએ.

કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે
Anand Sharma (file photo)
| Edited By: | Updated on: Sep 30, 2021 | 12:10 PM

કપિલ સિબ્બલના ઘરની બહાર પક્ષના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધ બાબતે આનંદ શર્માએ ગુરુવારે નારાજગી વ્યક્ત કરીને આ મામલે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.  કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સતત અનેક ટ્વીટમાં આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઘટનાના સમાચારથી હું દુખી છું. તેમણે લખ્યું કે કપિલ સિબ્બલના ઘરે હુમલા અને ગુંડાગીરીના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે અને નિરાશા થઈ છે. આવા કૃત્ય પક્ષને બદનામ કરે છે. તેની સખત નિંદા થવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના ચાલી રહેલી રાજકીય ઘમાસાણ મુદ્દે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે, હાલ કોંગ્રેસમાં કોઈ રાષ્ટ્રીય પ્રમુખ નથી, તો પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન સહીતના મુદ્દે મહત્વના નિર્ણયો કોણ લે છે ? તેમ કહીને સામો સવાલ ઉભો કર્યો હતો.

કોંગ્રેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં : આનંદ શર્મા
આનંદ શર્માએ કહ્યુ છે કે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં કોંગ્રેસ હંમેશા રહી છે. અભિપ્રાય અને દ્રષ્ટિનો તફાવત લોકશાહી માટે અભિન્ન છે. પરંતુ અસહિષ્ણુતા અને હિંસા કોંગ્રેસના મૂલ્યો અને સંસ્કૃતિથી સંપૂર્ણપણે અલગ છે. તેમણે આગળ લખ્યું કે દેખાવકારોની ઓળખ થવી જોઈએ અને આ મુદ્દે શિસ્તબદ્ધ થવું જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ બાબતે ધ્યાન આપે અને કડક કાર્યવાહી કરે.

બુધવારે સિબ્બલના ઘરની બહાર પ્રદર્શન થયું
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પાર્ટીના નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ બુધવારે પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ સિબ્બલના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કર્યું અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. એટલું જ નહીં, કપિલ સિબ્બલનો વિરોધ કરી રહેલા કાર્યકરોએ સિબ્બલના નિવાસસ્થાને ટામેટા પણ ફેંક્યા અને સિબ્બલની કારને નુકસાન પહોંચાડ્યું છે.

સિબ્બલે પાર્ટી અધ્યક્ષના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા
પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ, દેશની સૌથી જૂની પાર્ટીમાં ફરી એક વખત આંતરીક લડાઈ શરૂ કરી થઈ છે. પક્ષની સ્થિતિથી નારાજ વરિષ્ઠ નેતાઓના ગ્રુપ -23 ના નેતાઓ પણ સક્રિય બન્યા છે. વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે, બુધવારે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ ન હોય ત્યારે કોણ નિર્ણય લે છે. તેમણે કહ્યું કે રાહ જોવાની એક મર્યાદા છે, છેવટે, ક્યાં સુધી રાહ જોવી ? પાર્ટીએ તાત્કાલિક કારોબારી (CWC) ની બેઠક બોલાવવી જોઈએ જેથી અંદર ખુલ્લી વાત થઈ શકે.

આ પણ વાંચોઃ Bus Accident in Meghalaya: મેઘાલયમાં એક ભયાનક દુર્ઘટના, બસ નદીમાં ખાબકતા 6 મુસાફરોના મોત, બચાવ કામગીરી શરુ

આ પણ વાંચોઃ Gold Price Today : સોનાંનો ભાવ 6 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો, જાણો આજે 10 ગ્રામ સોનાંનો રેટ શું છે?