
મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વાસ્તવમાં બોમ્બે હાઈકોર્ટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં બોમ્બે હાઈકોર્ટ, બીએસઈ (BSE), વરલી રેસકોર્સ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઈમેલની તપાસ સાથે જ ધમકી આપનારની ઓળખ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
તાજેતરમાં બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને પણ ધમકી મળી હતી. જો કે , આયુષ્માન ખુરાનાને ધમકી આપવાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી લીધી હતી. આરોપી વ્યવસાયથી IT એન્જિનિયર હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. આ સિવાય પોલીસે તુષાર કપૂર મામલાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.
જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર જ્યારથી જીવલેણ હુમલો થયો છે, ત્યારથી બોલિવૂડના કેટલાક સ્ટાર્સને અલગ-અલગ માધ્યમોથી ધમકી મળી છે. આ પછી બોલિવૂડમાં આ ચર્ચા ઝડપી બની હતી કે, શું એકવાર ફરી બોલિવૂડ પર અંડરવર્લ્ડ જેવી વસ્તુઓ હાવી થઈ રહી છે?
ધમકી આપનારે બોમ્બે હાઈકોર્ટને પણ નિશાના પર લીધી છે. આ પહેલીવાર નથી, જ્યારે બોમ્બે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય, સપ્ટેમ્બર 2025 માં પણ બોમ્બે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બીજીવાર ધમકીભર્યો મેલ આવ્યા બાદ હાઈકોર્ટની સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી.
જો કે, ધમકી મળ્યા બાદ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું. આ ધમકીના થોડા દિવસો પહેલાં પણ બોમ્બે હાઈકોર્ટને ધમકીવાળો ઈમેલ આવ્યો હતો. ત્યારે પણ હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવી લેવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.