
પત્ની સાથેના ઝઘડા દરમિયાન ‘મરી જા’ અથવા ‘જઈને મરી જા’ કહેવું એ આપમેળે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ (ઉશ્કેરણી) ગણી શકાય નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે આવા શબ્દો કયા સંજોગોમાં અને કયા ઇરાદાથી બોલવામાં આવ્યા હતા, તે તપાસવું અનિવાર્ય છે. આ આધાર પર અદાલતે પત્નીની આત્મહત્યાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા પતિને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ બારાબંકીનો છે. મૃતકના ભાઈએ 15 સપ્ટેમ્બર 2023ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની બહેનના લગ્ન આરોપી સાથે લગભગ 20 વર્ષ પહેલાં થયા હતા. આ દંપતીને કોઈ સંતાન નહોતું. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પતિ આ બાબતે પત્નીને હેરાન-પરેશાન કરતો હતો અને તેને ફાંસી લગાવી લેવા કે નદીમાં કૂદીને જીવ આપી દેવા માટે કહેતો હતો.
આરોપ મુજબ, 9 અને 10 સપ્ટેમ્બર 2023ની મધ્યરાત્રિએ મહિલા ઘરમાં ફાંસીએ લટકતી મળી આવી હતી. આ કેસમાં બારાબંકીની સેશન્સ કોર્ટે 9 માર્ચ 2025ના રોજ પતિને દોષિત ઠેરવ્યો હતો. તેને સાત વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવાઈ હતી. ત્યાર બાદ પતિએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
અપીલ દરમિયાન પતિએ રજૂઆત કરી હતી કે તેની પત્ની લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડાતી હતી. તે તેની સારવાર કરાવી રહ્યો હતો, પરંતુ બીમારીમાં સુધારો ન થતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેણે એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષના સાક્ષીઓ મૃતકના નજીકના સગાં હતા અને તેમના નિવેદનોમાં અનેક વિરોધાભાસો જોવા મળ્યા હતા.
પતિ તરફથી એ બાબત પણ મૂકવામાં આવી કે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કોઈ નક્કર પુરાવો નથી. બીજી તરફ, સરકારી વકીલે અપીલનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે સાક્ષીઓએ સતત એ વાત નોંધી છે કે આરોપી તેની પત્નીને સંતાન ન હોવાને કારણે તેમજ તેની શારીરિક સ્થિતિ બાબતે ત્રાસ આપતો હતો.
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ ઝફીર અહેમદે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં આવીને ‘મરી જા’ કે ‘જઈને મરી જા’ કહે તો તેને દરેક પરિસ્થિતિમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં. અદાલતે એ ચકાસવું પડે કે આ શબ્દો કયા સંજોગોમાં કહેવાયા હતા, કહેનાર વ્યક્તિનું વર્તન કેવું હતું અને શું તેનો ઉદ્દેશ્ય મહિલાને આત્મહત્યા માટે પ્રેરવાનો હતો કે નહીં.
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે આવેશમાં બોલાયેલી દરેક બાબત, ગાળાગાળી કે ભાવનાત્મક ઉશ્કેરાટમાં આપવામાં આવેલા નિવેદનોને ફોજદારી કાયદા હેઠળ દુષ્પ્રેરણ માનવામાં આવી શકે નહીં. તેના માટે આરોપીની ભૂમિકા અને તેના ચોક્કસ ઇરાદા સાથે જોડાયેલા પુરાવા જરૂરી છે.
હાઈકોર્ટે નોંધ્યું કે લગ્નના આશરે 20 વર્ષ દરમિયાન ગંભીર ત્રાસ આપવામાં આવ્યો હોવાના દાવાઓના સમર્થનમાં કોઈ અગાઉની ફરિયાદ, પત્ર, પોલીસ રિપોર્ટ કે તબીબી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.
અદાલતે એ પણ નોંધ્યું કે મૃતકના ભાઈએ પોલીસને એ કથિત ફોન કોલ્સ વિશે માહિતી આપી નહોતી, જેમાં મહિલાએ મારપીટ અને પતિ દ્વારા મરી જવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, પત્નીના મોતના સમાચાર સૌથી પહેલાં ખુદ પતિએ જ પોલીસને આપ્યા હતા.
ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે પ્રશ્ન ઉઠાવતા અદાલતે કહ્યું કે માત્ર આત્મહત્યા થઈ હોવાના અને ત્રાસના આરોપોના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આરોપીએ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હતી, ષડયંત્ર રચ્યું હતું કે જાણીજોઈને તેમાં મદદ કરી હતી તે સાબિત કરવું અનિવાર્ય છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આત્મહત્યા થવી અને આત્મહત્યા માટે ઉશ્કેરવું એ બે તદ્દન અલગ વિષય છે. કોઈ વ્યક્તિને ગુનેગાર ઠેરવવા માટે તેણે ઘટનામાં કાયદેસર રીતે જવાબદાર ભૂમિકા ભજવી હતી તે પુરવાર થવું જરૂરી છે.