
જો તમે આગામી મહિનાઓમાં હવાઈ મુસાફરીનું આયોજન કરી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. વૈશ્વિક સ્તરે વધતા જિયો-પોલિટિકલ ટેન્શન, જેટ ફ્યુઅલની મર્યાદિત સપ્લાય અને રિફાઇનરીઓ પર વધતા દબાણને કારણે એરલાઇન્સના ખર્ચમાં ભારે વધારો થઈ રહ્યો છે.
આની સીધી અસર વિમાનની ટિકિટોના ભાવ પર પડવાની આશંકા સેવાઈ રહી છે. તાજેતરના અહેવાલ મુજબ, જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે તો Airfare માં 20 થી 25 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
મેકિન્સેના એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની ટ્રાવેલ સીઝન પહેલા જેટ ફ્યુઅલની માંગ ઝડપથી વધી રહી છે, જ્યારે વૈશ્વિક સ્તરે તેનો સ્ટોક ઘટ્યો છે. આ સાથે જ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો અને જેટ ફ્યુઅલના ઉત્પાદનમાં ઘટાડાએ બજારમાં સપ્લાયની કટોકટી ઊભી કરી દીધી છે. આ જ કારણ છે કે, જેટ ફ્યુઅલના ભાવ સતત વધી રહ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જેટ ફ્યુઅલની કિંમતોને સમજવા માટે “ક્રેક સ્પ્રેડ” એક મહત્વનો સંકેત છે. તે ક્રૂડ ઓઇલ અને તેમાંથી તૈયાર થતા ફ્યુઅલ પ્રોડક્ટ્સની કિંમતો વચ્ચેનો તફાવત દર્શાવે છે. સામાન્ય રીતે જેટ ફ્યુઅલનો ક્રેક સ્પ્રેડ પ્રતિ બેરલ 20 ડોલર કે તેથી ઓછો રહેતો હતો પરંતુ હવે વર્ષ 2026 માં તે પ્રતિ બેરલ 50 ડોલરથી ઉપર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વના લગભગ 40 ટકા જેટ ફ્યુઅલની સપ્લાય ખાડી વિસ્તાર અને એશિયાના અગ્રણી નિકાસકાર દેશોમાંથી થાય છે. તાજેતરની જિયો-પોલિટિકલ ઘટનાઓ અને સપ્લાય સંબંધિત પડકારોને કારણે આ વિસ્તારોમાંથી ઉત્પાદન પ્રભાવિત થયું છે.
આ ઉપરાંત ચીન, ભારત અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને જેટ ફ્યુઅલની નિકાસ પર આંશિક નિયંત્રણો મૂક્યા છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધતા વધુ ઘટી ગઈ છે.
બીજી તરફ, ઘણી મોટી રિફાઇનરીઓ અગાઉથી જ તેમની ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે, જેના કારણે ઉત્પાદન વધારવાની ગુંજાઈશ મર્યાદિત રહી ગઈ છે.
નિષ્ણાતોનું માનવું છે કે, જો હોરમુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પરથી ટેન્કરની અવરજવર સામાન્ય સ્તરે આવી જશે, તો જેટ ફ્યુઅલની કિંમતો પરથી થોડું દબાણ ઓછું થઈ શકે છે. જો કે, ઘણા દેશો તેમના વ્યૂહાત્મક ભંડાર (strategic reserves) ને ફરીથી ભરવામાં વ્યસ્ત છે.
આવી સ્થિતિમાં કિંમતો થોડા સમય માટે ઊંચા સ્તરે રહી શકે છે. રિપોર્ટ અનુસાર, વર્તમાન સમયમાં વૈશ્વિક ઇન્વેન્ટરી જ માંગ અને સપ્લાય વચ્ચે સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જો સ્ટોક વધુ ઘટશે તો કિંમતોમાં વધુ ઉછાળો આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, કોઈપણ એરલાઇન ટિકિટના કુલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો અંદાજે 30 ટકા જેટલો હોય છે. આવી સ્થિતિમાં, જો જેટ ફ્યુઅલનો ખર્ચ બમણો થઈ જાય અને એરલાઈન્સ તેનો મોટોભાગનો બોજ મુસાફરો પર નાખે, તો ટિકિટના ભાવ 20 થી 25 ટકા સુધી વધી શકે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ રૂટ પર ટિકિટનું સરેરાશ ભાડું 10,000 રૂપિયા છે, તો તે વધીને 12,000 થી 12,500 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઘરેલું (ડોમેસ્ટિક) અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ફ્લાઇટ્સ પર આની અસર જોવા મળી શકે છે.