ગૌતમ અદાણીને યુએસ કોર્ટ તરફથી ક્લીન ચિટ મળતાં અદાણી ગ્રૂપના શેરોમાં મોટો ઉછાળો, જાણો રોકાણકારો માટે આ ચુકાદો મહત્વનો રહ્યો કે સામાન્ય?

અમેરિકી કોર્ટે ગૌતમ અદાણી સામેનો ક્રિમિનલ કેસ ફગાવી દેતાં અદાણી ગ્રૂપના શેરોમાં 3 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જોકે જજે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો અર્થ આરોપોમાંથી મુક્તિ કે સત્યતાની સાબિતી નથી.

ગૌતમ અદાણીને યુએસ કોર્ટ તરફથી ક્લીન ચિટ મળતાં અદાણી ગ્રૂપના શેરોમાં મોટો ઉછાળો, જાણો રોકાણકારો માટે આ ચુકાદો મહત્વનો રહ્યો કે સામાન્ય?
| Updated on: Aug 11, 2026 | 4:46 PM

અમેરિકાની બ્રુકલિન સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટે અબજોપતિ ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ અને લાંચ સંબંધિત ક્રિમિનલ કેસને રદ કરવાનો આદેશ આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરાઉફિસે યુએસ પ્રોસિક્યુટર્સની કેસ પાછો ખેંચવાની વિનંતીને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર સામે આવ્યા બાદ શેરબજારમાં અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસના શેરોમાં રોકાણકારોની ખરીદી વધતાં 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

ગૌતમ અદાણીએ અદાલતના આ નિર્ણયનું સ્વાગત કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, કાનૂની લડાઈ દરમિયાન તેમનો સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં વિશ્વાસ કાયમ રહ્યો છે અને તેઓ ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરે છે.

શું હતો મૂળ કેસ અને સરકારે કેમ પાછો ખેંચ્યો?

આ મામલો નવેમ્બર 2024 માં સામે આવ્યો હતો, જેમાં અદાણી ગ્રૂપની કંપનીને સોલર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાની સંમતિ આપવાનો અને અમેરિકી રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ભ્રામક માહિતી આપવાનો આરોપ હતો. અદાણી ગ્રૂપે શરૂઆતથી જ આ આરોપોને ફગાવી દીધા હતા. પાછળથી યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલો આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. વિભાગે અદાલતમાં રજૂઆત કરી હતી કે આ કેસ મુખ્યત્વે વિદેશી બાબતો સાથે જોડાયેલો છે, તેને સાબિત કરવો મુશ્કેલ છે અને તે એજન્સીની વર્તમાન પ્રાથમિકતાઓને અનુરૂપ નથી.

જજની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ અને 10 અબજ ડોલરના રોકાણ પર સવાલ

જજ નિકોલસ ગરાઉફિસે કેસ રદ કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે, તેમના આ આદેશને જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીનું સમર્થન કે આરોપોની સત્યતા (ગુણ-દોષ) પરનો આખરી નિર્ણય માનવો જોઈએ નહીં. આ સુનાવણી દરમિયાન અદાણી દ્વારા નવેમ્બર 2024 માં અમેરિકામાં 10 અબજ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા) નું રોકાણ કરવાની વચનબદ્ધતા પર પણ સવાલો ઊભા થયા હતા. અદાણીએ 15 જુલાઈના રોજ સબમિટ કરેલા એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે તેમના વકીલોએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને જણાવ્યું હતું કે આ રોકાણ કેસના ઉકેલનો ભાગ હોઈ શકે છે. જોકે, જજે સ્પષ્ટ કર્યું કે તેઓ આ રોકાણની સત્તાવાર યોગ્યતા પર કોઈ વલણ અપનાવતા નથી, પરંતુ આવી ઓફરોની કાયદાના શાસન પર શું અસર પડે છે તે નક્કી કરવાનો અધિકાર જાહેર જનતાનો છે.

આ સિવાય જજે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારી ટ્રેન્ટ મેકોટરના કામ કરવાની શૈલી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે તેમણે મૂળ તપાસ કરનારા પ્રોસિક્યુટર્સ કે એજન્સીઓની સલાહ લીધા વગર જ અદાણીના વકીલો સાથે મંત્રણા કરીને કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

સિવિલ કેસ અને અન્ય દંડનિય બાબતો

આ ક્રિમિનલ કેસ રદ થવા સિવાય અન્ય નાણાકીય અને સિવિલ બાબતો અલગથી ચાલી રહી છે:

  • SEC સિવિલ સેટલમેન્ટ: યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ના સિવિલ કેસમાં ગૌતમ અદાણી 60 લાખ ડોલર (લગભગ 50 કરોડ રૂપિયા) અને તેમના ભત્રીજા સાગર અદાણી 120 લાખ ડોલર (લગભગ 100 કરોડ રૂપિયા) ની રકમ ચૂકવવા સંમત થયા છે.
  • ઈરાન પ્રતિબંધ ઉલ્લંઘન: અદાણી એન્ટરપ્રાઇઝિસે ઈરાન સંબંધિત અમેરિકી પ્રતિબંધોના કથિત ઉલ્લંઘન બદલ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સાથે 27.5 કરોડ ડોલર (લગભગ 2,285 કરોડ રૂપિયા) ની ચુકવણીનો કરાર કર્યો છે.

રોકાણકારો માટે બજારનું પૃથ્થકરણ

શેરબજારના નિષ્ણાતોના મતે, અમેરિકી કોર્ટનો આ નિર્ણય અદાણી ગ્રૂપ માટે એક મોટો સકારાત્મક સેન્ટિમેન્ટલ ટ્રિગર છે, કારણ કે તેનાથી ગ્રૂપ માથા પર લટકતી મોટી કાનૂની અનિશ્ચિતતા દૂર થઈ છે. જોકે, માત્ર એક સમાચારના આધારે શેરનો ભાવ લાંબા સમય સુધી ઉપર રહેવો જરૂરી નથી. રોકાણકારોએ કંપનીઓના ત્રિમાસિક પરિણામો, ડેટ લેવલ (દેવું), કેશ ફ્લો, બિઝનેસ ગ્રોથ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સની સાથે કાનૂની અને નિયામકીય અપડેટ્સ પર નજર રાખીને જ રોકાણના નિર્ણયો લેવા જોઈએ.

શું તમને ખબર છે કે રેલવે પણ ટ્રેન ટિકિટ પર સબસિડી આપે છે…! ભારતીય રેલવેએ આપ્યો સંપૂર્ણ હિસાબ

Follow Us
Loading...
Unable to load recommendations.