આજે ભારતીય જનતા પાર્ટી (BJP)નો 42મો સ્થાપના દિવસ (BJP Foundation Day 2022) છે. તે વર્ષ 1980ની વાત છે, જ્યારે જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી (General Elections)માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 1977માં 295 બેઠક જીતનારી પાર્ટી ત્રણ વર્ષ બાદ ઘટીને 31 બેઠકો પર આવી ગઈ. આ નિષ્ફળતા માટે જનસંઘ સાથે જોડાયેલા પક્ષના લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 એપ્રિલે દિલ્હીમાં જનતા પાર્ટીની (Janata Party) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. જેમાં પૂર્વ જનસંઘના સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નામ સામેલ હતા.
પછી એ જ થયું, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. બરાબર બે દિવસ પછી 6 એપ્રિલ 1980ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરવામાં આવી, જેનું નામ ભારતીય જનતા પાર્ટી હતું. આજે આ ઐતિહાસિક દિવસે 42 વર્ષ પૂર્ણ થયા છે. માહિતી અનુસાર ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં 900 ટકા, મતદારોની સંખ્યામાં 1000 ટકા અને સાંસદોની સંખ્યામાં 15,000 ટકાનો વધારો થયો છે. આજે આપણે વાત કરીએ ભાજપની વિકાસગાથા વિશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં માત્ર 2 સીટ જીતીને શરૂ થયેલી આ સફર આખરે 2019માં 303 સીટો સુધી કેવી રીતે પહોંચી, એવા ક્યા નિર્ણયો હતા જેના આધારે ભાજપ ના માત્ર ચૂંટણી મશીન બની, પરંતુ વિપક્ષ કોંગ્રેસ પણ સંકોચાતી રહી.
1980- સામાન્ય ચૂંટણીમાં 31 બેઠક જીત્યા પછી સત્તાધારી જનતા પાર્ટીએ નિર્ણય લીધો કે પક્ષના સભ્યોની બેવડી સભ્યપદ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આનો સ્પષ્ટ અર્થ એ હતો કે જે પણ પક્ષનો સભ્ય છે તે આરએસએસમાં રહી શકે નહીં. તેના જવાબમાં જનસંઘના તમામ સભ્યોએ 6 એપ્રિલ, 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીના નામથી એક નવો પક્ષ બનાવ્યો, જેમાં અટલ બિહારી વાજપેયી તેના સ્થાપક સભ્ય તરીકે ચૂંટાયા.
1984- ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સહાનુભૂતિની લહેર હતી. જેણે અન્ય પક્ષોની બેઠકો ઘટાડવાનું કામ કર્યું હતું અને તેના કારણે ભાજપ પણ માત્ર 2 સીટો જીતી શકી હતી.
1986- લાલકૃષ્ણ અડવાણીએ ભાજપની કમાન સંભાળી અને 1990 સુધી તેના અધ્યક્ષ રહ્યા.
1986થી 1989- બોફોર્સ કૌભાંડમાં ભાજપે રાજીવ ગાંધી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને એક મોટું અભિયાન ચલાવ્યું.
1989- પાર્ટીની મહેનતની અસર દેખાવા લાગી. સામાન્ય ચૂંટણી યોજાઈ અને ભાજપે 85 બેઠક જીતી. ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ કેન્દ્રમાં વીપી સિંહની સરકાર બનાવી. આ સાથે જ પાર્ટીએ રામ મંદિર માટે આંદોલન શરૂ કર્યું.
1990- ભાજપના તત્કાલિન પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ 12 સપ્ટેમ્બરથી રામ રથયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા સોમનાથથી શરૂ થઈ હતી. ત્યારબાદ અડવાણીની 23 ઓક્ટોબરે બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 30 ઓક્ટોબર સુધી હજારો કાર સેવકો અયોધ્યા આવ્યા હતા. જ્યાં પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. આનો વિરોધ કરતાં ભાજપે વીપી સિંહની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
1991- ભાજપની બેઠકોની સંખ્યામાં વધારો થયો અને તેણે સામાન્ય ચૂંટણીમાં 120 બેઠક જીતી. મુરલી મનોહર જોશીને પ્રમુખ બનાવાયા હતા.
1993- હવે ફરી એકવાર અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા. પક્ષને પસંદ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો અને ભાજપ રાષ્ટ્રીય સ્તરે પસંદગીનો પક્ષ બન્યો.
1995- દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પછી હવે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ દેખાઈ રહી છે.
1996- સામાન્ય ચૂંટણીઓ યોજાઈ અને ભાજપે 161 બેઠકો જીતીને લોકસભામાં પોતાને એક મુખ્ય પક્ષ બનાવ્યો. અટલ બિહારી વાજપેયીએ પીએમ પદ માટે શપથ લીધા હતા. પરંતુ પાર્ટી બહુમતી મેળવી શકી ન હતી, જેના કારણે તેમણે માત્ર 13 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ જનતા દળના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની, જે ટકી શકી નહીં.
1998- મધ્યગાળાની ચૂંટણીમાં ભાજપે એનડીએના નામથી ગઠબંધન કર્યું. જેમાં અન્ય ઘણી પાર્ટીઓ સામેલ હતી. આ સાથે ભાજપનો આંકડો ઘટીને 182 પર આવી ગયો, જ્યારે વાજપેયી 272 સાંસદોના સમર્થન સાથે ફરીથી વડાપ્રધાન બન્યા.
1999- એપ્રિલમાં વાજપેયી એક મતથી બહુમતી મેળવી શક્યા ન હતા. ત્યારે 3 મેના રોજ કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. તે સમયે દેશમાં અટલ સરકાર હતી અને ભારતે યુદ્ધ જીત્યું હતું. ત્યારબાદ ભાજપને 303 સાંસદોનું સમર્થન મળ્યું અને તેનો આંકડો 183 પર પહોંચ્યો. જેના કારણે વાજપેયી ત્રીજી વખત પીએમ બન્યા.
2004- કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર આવી, જેને 222 અને એનડીએને 186 બેઠકો મળી. 2009માં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને 116 થઈ ગઈ.
2014- આ વખતે ભાજપે 282 સીટો જીતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
2019- પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના વળતા હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ ભાજપે ચૂંટણીમાં પોતાના દમ પર 303 બેઠકો જીતી અને ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
આ પણ વાંચો: VIDEO : ચીફ આર્મી ચીફને હટાવવા માંગે છે PTI ! ઈમરાન ખાનની પાર્ટીના સભ્યનો સનસનીખેજ ખુલાસો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો