ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ. 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. પરિમલ નથવાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના નેશનલ હાઈવે પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.
આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.