Mumbai: મુંબઈમાં હાલમાં રાજનીતિનો એક મોટો મંચ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જ્યાં 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ‘ઈન્ડિયા અલાયન્સ’ (INDIA Alliance)ના 28 પક્ષોના નેતાઓ એક જગ્યાએ એકઠા થયા છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં વિરોધ પક્ષોના નેતાઓની રાત્રિભોજન બેઠક યોજાઈ હતી. આ ડિનર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ આપ્યું હતું.
ડિનર મીટિંગમાં વિપક્ષના તમામ મોટા ચહેરાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, આરજેડીના લાલુ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી પણ હાજર હતા. આ બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા.
આ પણ વાંચો: Gujarat News Live: ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં લાગી આગ, 16 લોકોના મોત
એવું જાણવા મળી રહ્યું છે કે ઈન્ડિયા એલાયન્સે તેનો લોગો ફાઈનલ કરી દીધો છે. જો કે લોગોની ડિઝાઈન પહેલેથી જ બની ચૂકી હતી, પરંતુ કેટલીક પાર્ટીઓને તે પસંદ ન આવી. જે બાદ આજે એટલે કે ગુરુવારે લોગોની ડિઝાઈનને લઈને ફરી ચર્ચા થઈ હતી, જે બાદ કેટલાક ફેરફારો પર સહમતિ બની હતી.
હવે બેથી ત્રણ નવા લોગો તૈયાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. હવે આમાંથી એક લોગો શુક્રવારે બપોરે ઔપચારિક રીતે બહાર પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા એલાયન્સના લોગોમાં ભારતીય ધ્વજના ત્રણેય રંગ- કેસરી, સફેદ અને લીલો હશે. IN નો રંગ કેસરી, D સફેદ રંગનો અને IA લીલો હોવાની જાણકારી મળી રહી છે.
બેઠકોનો રાઉન્ડ શુક્રવારે સવારે 10.15 વાગ્યે શરૂ થશે. સવારે 10:30થી બપોરે 2:00 વાગ્યા સુધી એટલે કે લગભગ સાડા ત્રણ કલાક સુધી ગઠબંધન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઈન્ડિયા એલાયન્સનો લોગો બપોરે જ બહાર પાડવામાં આવશે. આ પછી લંચ થશે અને પછી 3.30 વાગ્યે ઈન્ડિયા એલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થશે.
ગુરુવારની બેઠક બાદ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બેઠક સારી રહી. શુક્રવારે તમને વિગતવાર માહિતી મળશે. બીજી બાજુ, કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે ગઠબંધન નેતાઓ આવતીકાલે મળનારી બેઠકમાં બેઠકોની વહેંચણી, સંકલન સમિતિ અને સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ બનાવવાની પદ્ધતિઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે આવો જ પ્રયોગ 1977માં કરવામાં આવ્યો હતો અને આ પણ આવો જ પ્રયાસ છે. 1977માં વિપક્ષી પાર્ટીઓ ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સાથે સ્પર્ધા કરવા માટે એક સાથે આવી હતી.
Published On - 6:43 am, Fri, 1 September 23