મહારાષ્ટ્ર ભાજપના ગુજરાતી નેતાએ 72 મસ્જિદો સામે નોંધાવી FIR, શું છે કારણ?

મહારાષ્ટ્રમાં ભાજપના ગુજરાતી નેતાએ, 72 મસ્જિદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલુ જ નહીં તેમણે જે મસ્જિદ સામે FIR નોંધાવી છે તે મસ્જિદ સામે કરેલ RTI ની નકલ પણ શેર કરી છે જેમાં મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર ભાજપના ગુજરાતી નેતાએ 72 મસ્જિદો સામે નોંધાવી FIR, શું છે કારણ?
Symbolic image
| Edited By: | Updated on: Apr 07, 2025 | 1:51 PM

તાજેતરમાં મહારાષ્ટ્રમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં વગાડવા જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો લાઉડ સ્પીકર સહીત જરૂરી પરવાનગી રદ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ સૂચના પછી ઘણા નેતાઓ સામે આવ્યા છે કેટલાકે નિવેદનો કર્યાં છે. આ સંદર્ભમાં, હવે ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મુંબઈના માનખુર્દ ગોવંડીની 72 મસ્જિદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બાબતે ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, 5 એપ્રિલે મેં ગોવંડીના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 72 મસ્જિદો પર અનધિકૃત લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, આ લાઉડસ્પીકરો કોઈપણ કાનૂની પરવાનગી વિના સ્થાપિત કરવામાં આવ્યા છે, જે જાહેર સ્થળોએ અવાજ નિયંત્રણ સંબંધિત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું કે, “પોલીસે પણ આ વાત સ્વીકારી છે અને અમે માંગ કરી છે કે મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર રીતે લાઉડસ્પીકર વગાડવું, મુંબઈ હાઈકોર્ટના નિર્ણયનું પાલન ના કરવું, મુંબઈમાં આ સહન કરવામાં આવશે નહીં.

સોશિયલ મીડિયા પર યાદી શેર કરો

કિરીટ સોમૈયાએ આ મામલે સોશિયલ મીડિયા પર એક RTI ની નકલ શેર કરી છે, જેમાં તે મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે, જ્યાં લાઉડસ્પીકર્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત, દરરોજ જોરજોરથી હોર્ન વગાડવામાં આવી રહ્યા છે. કોઈપણ મસ્જિદે લાઉડસ્પીકર / હોર્ન માટે પરવાનગી લીધી નથી. અમે ગઈકાલે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આવતીકાલથી કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.

સોમૈયા છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે

ભાજપના નેતા સોમૈયા છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દા પર સક્રિય છે અને તેને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. આ પહેલા પણ તેમણે મુંબઈના ઘણા ભાગોમાં આવી જ ફરિયાદો નોંધાવી છે અને સંબંધિત વહીવટીતંત્ર પાસેથી સતત કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મુંબઈ પોલીસ સોમૈયાની ફરિયાદ પર આગળ શું કાર્યવાહી કરે છે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના સમાચાર જાણવા માટે આપ અમારા મહારાષ્ટ્ર ટોપિક ઉપર ક્લિક કરો. 

Published On - 1:47 pm, Mon, 7 April 25