
મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ, એનઆઈએ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તહવ્વુર રાણાના કેસમાં એવી વિગતો સામે આવી રહી છે કે, NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા હાથ ધરાયેલ પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાએ પાકિસ્તાની સેનાનું પણ નામ લીધું છે. હાલમાં, આ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. રાણાને તાજેતરમાં જ અમેરિકાથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે NIA દ્વારા પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાએ કબૂલ્યું છે કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણાએ એવો પણ ખુલાસો કર્યો છે કે, તેણે મિત્ર ડેવિડ હેડલી સાથે મળીને પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા સાથે અનેક તાલીમ કેમ્પમાં હાજરી આપી હતી. તહવ્વુર રાણાએ ખુલાસો કર્યો છે કે લશ્કર મુખ્યત્વે જાસૂસી નેટવર્ક તરીકે કામ કરતો હતો.
પાકિસ્તાની મૂળના કેનેડિયન તહવ્વુર રાણાએ (64) હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. 26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીના નજીકના સાથીદાર તહવ્વુર રાણાએને ગત 4 એપ્રિલના રોજ ભારત લાવવામાં આવ્યો હતો. યુએસ સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણ સામેની તેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તહવ્વુર રાણાએ સ્વીકાર્યું છે કે તે હુમલા દરમિયાન મુંબઈમાં હતો અને તે આતંકવાદી કાવતરાનો પણ ભાગ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણાએ એવુ જણાવ્યું છે કે તેણે CST એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોનું સર્વેક્ષણ કર્યું હતું. તેણે વધુમાં કહ્યું કે રાણાએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સેનાએ તેને ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયા પણ મોકલ્યો હતો.
તહવ્વુર રાણા ઉપર હેડલી અને લશ્કર અને હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી (HUJI) ના આતંકવાદીઓ તેમજ પાકિસ્તાન સ્થિત અન્ય સહ-કાવતરાખોરો સાથે મળીને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ દિવસના આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા દસ આતંકવાદીઓએ 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં પ્રવેશ્યા પછી એક રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાક ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. મહારાષ્ટ્રના વધારે સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.