‘આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા’, સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું
સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ 'હિન્દુ વોટ બેંક' વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.
મહારાષ્ટ્રની (Maharashtra) ગઠબંધન સરકારમાં સહયોગી શિવસેનાએ બુધવારે હિંદુત્વના મુદ્દે દાવો રજૂ કરતાં કહ્યું કે તેના સ્થાપક બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray)એ સુનિશ્ચિત કર્યું કે “હિંદુઓ ધર્મના નામે તેમના મત આપે”. શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેમના ભૂતપૂર્વ સાથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા અને કહ્યું કે તેમની પાર્ટીની હિંદુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા માત્ર રાજકારણ અને ચૂંટણીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ લોકોને રોટી, કપડા અને મકાન મળે તે સુનિશ્ચિત કરવા માટે છે.
મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું “આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવા વાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા. તે શિવસૈનિક અને બાળાસાહેબ ઠાકરે હતા જેઓ હિંદુઓના પક્ષમાં દ્રઢતાથી ઉભા રહ્યા હતા.” સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ ‘હિન્દુ વોટ બેંક’ વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.
તેથી જ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહેવામાં આવે છે
સંજય રાઉતે કહ્યું, “મને પોતે જ એ વાતનો અંદાજો નથી કે છત્રપતિ શિવાજી મહારાજે હિંદુ વોટ બેંક વિકસાવી કે નહીં? જોકે, એ હકીકત છે કે શિવાજીએ દેશમાં ‘હિન્દી સ્વરાજ્ય’ સ્થાપ્યું હતું.” શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, “બાળાસાહેબ ઠાકરે અને તેમના પહેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર) હતા, જેઓ છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારાને અનુસરતા હતા, તેથી જ દેશના લોકો ઠાકરેને ‘હિંદુ હૃદય સમ્રાટ’ કહે છે.”
રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કરી હતી
તેમણે વધુમાં કહ્યું “અમારું હિન્દુત્વ માત્ર રાજકારણ અને ચૂંટણીઓ માટે નથી. તે માત્ર મંદિરો પૂરતું મર્યાદિત નથી. અમારું હિન્દુત્વ લોકોને રોટી, કપડા અને મકાન સુનિશ્ચિત કરવાનું છે.” શિવસેનાના નેતાની ટિપ્પણી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કર્યાના દિવસો પછી આવી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે “હિંદુત્વવાદીઓ”ને સત્તાની લાલચ છે અને તેઓ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી અને શિવસેના મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં ગઠબંધનમાં છે.