
મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબના વખાણ બાદ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકારણની વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી સૂચના પણ તેમણે આપી હતી.
લાઉડસ્પીકર્સથી થતા ધ્વનિ પ્રદૂષણ પર પગલાં લેવાની માંગના પ્રશ્નના જવાબમાં સીએમ ફડણવીસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર બંધ રાખવા જોઈએ. મુખ્યમંત્રીએ વિધાનસભામાં પ્રાર્થના સ્થળો અને ખાસ કરીને મસ્જિદોમાં લાઉડસ્પીકરથી થતા ધ્વનિ પ્રદૂષણ અંગે આ વાત કહી હતી.
નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી અંગે વાત કરતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું, “માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ લાઉડસ્પીકર સહિતના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવશે.” તેમણે કહ્યું કે લાઉડ સ્પીકર માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈની રહેશે.
મહારાષ્ટ્રમાં ઘણા ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી સળગતો મુદ્દો છે. સવારના સમયે સ્પીકર વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવા જનપ્રતિનિધિઓ સહિત સામાન્ય નાગરિકોમાંથી પણ માંગ ઉઠી છે.
બીજેપી ધારાસભ્ય દેવયાની ફરંદેએ મંગળવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર પાસે આવા લાઉડસ્પીકરો બંધ કરવા અને તેના કારણે થતા ધ્વનિ પ્રદૂષણ સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ભાજપના વિધાનસભ્ય અતુલ ભાટખાલકરે કહ્યું કે, પ્રશ્ન-જવાબના સમયગાળા દરમિયાન જ્યારે મેં ગેરકાયદે લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સીએમ ફડણવીસે કહ્યું કે, ગેરકાયદે લાઉડસ્પીકર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અતુલે કહ્યું, “આજે મેં ગૃહમાં દિવસમાં પાંચ વખત અઝાન આપવા માટે મસ્જિદોની ઉપર ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના પર મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈ હાઈકોર્ટના આદેશ પ્રમાણે, આગામી દિવસોમાં નમાજના સ્થળો અને મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. એટલું જ નહીં તેનો અવાજ પણ ઓછો થઈ જશે.