Breaking News : NCPમાં વિલીનીકરણની અટકળો તેજ, પુણેની ગુપ્ત બેઠકથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

NCPના બંને ગઠો વચ્ચે વિલીનીકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શરદ પવાર ગઠના નેતાઓની પુણેમાં એક ગુપ્ત બેઠક યોજાઈ, જેમાં રાજકીય વ્યૂહરચના પર ચર્ચા થઈ.

Breaking News : NCPમાં વિલીનીકરણની અટકળો તેજ, પુણેની ગુપ્ત બેઠકથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
| Updated on: May 15, 2026 | 5:00 PM

છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને ગઠો વચ્ચે વિલીનીકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અજિત પવારના અવસાન બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસ અને NCP વચ્ચે સમાધાન અને એકતા માટે સકારાત્મક વિચાર ધરાવતા હતા. હવે આ મુદ્દે નવી રાજકીય હલચલ જોવા મળી રહી છે.

અજિત પવારના અવસાન પછી સુનેત્રા પવારે NCPના અજિત પવાર ગઠનું નેતૃત્વ સંભાળ્યું છે. બીજી તરફ, શરદ પવારે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે બંને NCP ગઠો વચ્ચે વિલીનીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે. રોહિત પવારે પણ અનેક પ્રસંગે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, અજિત પવાર ગઠના કેટલાક નેતાઓએ આવી કોઈ સત્તાવાર ચર્ચા નકારી કાઢી છે. અત્યાર સુધી સુનેત્રા પવારે આ મુદ્દે જાહેરમાં કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

ખાનગી હોટલમાં યોજાઈ બેઠક

આ તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે પુણેમાં શરદ પવાર ગઠના ટોચના નેતાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હોવાની માહિતી સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ બેઠક પાર્ટી કાર્યાલયમાં નહીં પરંતુ એક ખાનગી હોટલમાં યોજાઈ હતી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રી અનિલ દેશમુખ, સાંસદ અમોલ કોલ્હે, હર્ષવર્ધન પાટિલ, પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદે, જયંત પાટિલ, રાજેશ ટોપે, બાળાસાહેબ પાટિલ અને પુણે જિલ્લા પ્રમુખ દેવદત્ત નિકમ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં બંને NCP ગઠો વચ્ચે સંભવિત વિલીનીકરણ અને આગળની રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ચર્ચાઓને ધ્યાનમાં રાખતા આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજકીય ચર્ચાઓને વેગ

આ દરમિયાન, બે દિવસ પહેલાં NCPના નેતા સુનીલ તટકરેએ અચાનક શરદ પવારની મુલાકાત લીધી હતી. છેલ્લા બે વર્ષથી વધુ સમય બાદ તેઓ શરદ પવારને મળવા ગયા હોવાને કારણે આ મુલાકાતે પણ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.

મીડિયા સાથે વાત કરતા સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે તેઓ માત્ર શરદ પવારના ખબરઅંતર પૂછવા માટે ગયા હતા. જોકે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ મુલાકાત દરમિયાન બંને ગઠોના વિલીનીકરણ મુદ્દે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે સવાલ ઊભો થયો છે કે શું NCPના બંને ગઠો ફરી એકવાર સાથે આવી શકે?

કોમેડિયન અભિનેતાની પત્ની સાથે 16.24 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ

Follow Us