મુંબઈ મેટ્રોનું ઉદ્ઘાટન કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન, બુલેટ ટ્રેનની જરૂરિયાત પર ઉઠાવ્યા સવાલ
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આવા ઘણા બધા પ્રોજેક્ટ અટવાયેલા છે, તેને આગળ કેમ લઈ જતા નથી? અને જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ વધારવો જ હોય તો સૌથી પહેલા અમદાવાદ શા માટે મનમાં આવ્યું, મુંબઈથી નાગપુર કેમ નહીં?
શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) મુંબઈ મેટ્રોના (Mumbai Metro) બે નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું. મુંબઈ મેટ્રોના 2A (દહિસરથી DN નગર) અને 7 (દહિસરથી અંધેરી પૂર્વ) રૂટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન બાદ દરરોજ સવારે 6 થી 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની 10 થી 12 ફેરી દોડાવવામાં આવશે. હાલમાં આ બંને રૂટના 35 કિલોમીટરના રૂટમાંથી 20 કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. બાકીના ભાગોમાં, કેટલાક ક્લિયરન્સ અને સ્ટેશનોનું નિર્માણ કરવાનું બાકી છે. આ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ મેટ્રો ઓટોમેટિક મોડ પર ચાલશે.
ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેનને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યુ હતું. હાલમાં, થોડા દિવસો માટે ડ્રાઇવરો તેને ચલાવશે. તે દરરોજ 3 લાખથી વધુ મુસાફરોને વહન કરશે. આ ઉદ્ઘાટન બાદ મુંબઈવાસીઓને મોટી ભેટ મળી છે. તેનાથી ટ્રેનોમાં ભીડ ઓછી થશે અને ખાસ કરીને પશ્ચિમ મુંબઈમાં રહેતા લોકોની મુશ્કેલી ઘણી હદે દૂર થશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને પણ રાજનીતિ થઈ છે.
બુલેટ ટ્રેન અમદાવાદ કેમ, નાગપુર કેમ નહીં?
આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, અમે તમને કામોનો શ્રેય આપવા તૈયાર છીએ. પરંતુ તમે બુલેટ ટ્રેન માટે અહીંના આર્થિક કેન્દ્ર માટે નક્કી કરેલી જમીન લઈ લીધી. બુલેટ ટ્રેનનો ફાયદો શું છે? જો તમે મુંબઈને આટલો પ્રેમ કરો છો તો તમે કાંજુર વિસ્તાર પાસેની જમીન કેમ નથી આપતા? તમે મુંબઈમાં પમ્પિંગ સ્ટેશન માટે જમીન આપતા નથી. ધારાવી વસાહતના વિકાસ માટે જમીન આપતા નથી.
ઘણા બધા પ્રોજેક્ટ અટવાયેલા છે, તેને આગળ કેમ લઈ જતા નથી? અને જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ વધારવો હોય તો સૌથી પહેલા અમદાવાદ શા માટે મનમાં આવ્યું, મુંબઈથી નાગપુર કેમ નહીં? જણાવી દઈએ કે મેટ્રોના બે રૂટના ઉદ્ઘાટનના આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેના પર ભાજપે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મેટ્રોનું કામ તેમના સમયમાં શરૂ થયું હતું અને તે ઝડપથી ચાલી રહ્યું હતું. પરંતુ જ્યારથી મહા વિકાસ આઘાડીની સરકાર આવી ત્યારથી કામ ધીમું પડી ગયું. તેમણે કહ્યું કે ઠાકરે સરકાર મેટ્રોનું ઉદ્ઘાટન કરીને કામનો શ્રેય લઈ લે, પરંતુ મેટ્રો 3નું કામ જે ચાર વર્ષથી અટવાયેલું છે, તેને આગળ લઈ જવું જોઈએ. બસ કામોને વેગ આપો અને બાકીની મેટ્રોનું કામ આગળ ધપાવો.