
મંગળવારે 7 જુલાઈના રાત્રે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. એક જ રનવે પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાનો સામસામે આવી ગયા હતા. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સૂચના મળ્યા બાદ એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કર્યું હતું.
સૂત્રો અનુસાર, આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. સિલીગુડીથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AIX-1547 લેન્ડિંગ કર્યા બાદ હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટી પણ નહોતી. તે દરમિયાન એ જ રનવે પરથી દિલ્હી જવા તૈયાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-816 ટેક-ઓફ માટે આગળ વધી રહી હતી.
એક જ રનવે પર બંને વિમાનો સામસામે આવી જતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી. જોકે, ATC તરફથી તરત જ સૂચના મળતા એર ઇન્ડિયાના પાયલોટે ટેક-ઓફ પ્રક્રિયા અટકાવી દીધી અને વિમાનને પાછું બે (Bay) એટલે કે પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.
The crew operating flight AI816 from Mumbai to Delhi on 7 July discontinued the take-off run after receiving an instruction to do so from the Air Traffic Control and returned to the bay. The aircraft will undergo necessary checks as per standard operating procedures. Meanwhile,…
— ANI (@ANI) July 7, 2026
સૂત્રો અનુસાર, મુંબઈથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-816માં મોટા કદનું બોઇંગ 777-300ER વિમાન હતું. જ્યારે સિલીગુડીથી મુંબઈ આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AIX-1547માં બોઇંગ 737 MAX 8 વિમાન સામેલ હતું.
આ ઘટનાને લઈને એર ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા નિવેદનમાં કંપનીએ કહ્યું કે 7 જુલાઈએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટ AI-816ના પાયલોટે એર ટ્રાફિક કન્ટ્રોલના નિર્દેશ બાદ ટેક ઓફ પ્રક્રિયા અટકાવી અને વિમાનને પાછું બે (Bay) વિસ્તારમાં લઈ ગયા. માનક કામગીરી પ્રક્રિયા (SOP) મુજબ હવે વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે. કંપનીએ વધુમાં જણાવ્યું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.