
મહાર।ષ્ટ્રના થાણે નજીક આવેલા ઉલ્હાસનગરમાં કેટલાક સભ્ય સમાજના ટોળાએ એક મહિલા સાથે જે કર્યુ છે તેનાથી સમગ્ર માનવજાતનું માથુ શર્મથી ઝુકી જાય છે. માત્ર મંદિરમાં પ્રવેશવા જેવી નજીવી બાબતે મહિલાને જાહેરમાં અમાનુષી રીતે માર મારવામાં આવ્યો. કેટલાક નરાધમોએ તેના કપડા ફાડી નાખ્યા. સરાજાહેર તેને અર્ધનગ્ન કરી તેના વાળ કાપી નાખવામાં આવ્યા. તેને ચપ્પલોનો હાર પહેરાવી તેની પરેડ કરાવવામાં આવી. અને સૌથી ચોંકવાનારી બાબત એ છે કે બધુ જ થયુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે તે પોલીસની હાજરીમાં.
ઉલ્લાહસ નગરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રવેશવા બાબતે એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે વિવાદ થયો. આ વિવાદ એટલો વકર્યો કે ભીડ હેવાન બની ગઈ. મહિલાઓને રસ્તા પર ઢસડવામાં આવી. અમાનુષી અત્યાચાર ગુજાર્યો. નરાધમોએ તેને પગે પડવા અને માફી માગવા માટે મજબુર કરી. જો કે સૌથી વધુ શર્મનાક ઘટના તો ત્યારે થઈ કે મહિલાઓની સાથે આ હદની બર્બરતા આચરવામાં ખુદ અન્ય મહિલાઓ પણ સામેલ હતી. લાકડીઓ લઈને મહિલાઓ બંને મહિલાઓ પર તૂટી પડી હતી. તેમના માટે બચવાનો એક મોકો છોડવામાં આવ્યો ન હતો. હદ તો ત્યાં થઈ કે ત્યાં હાજર લોકોમાંથી કોઈએ મામલો થાળે પાડવાને બદલે ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ પોલીસની હાજરીમાં થયો અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી. થાણેની આ પોલીસે વર્દી ધારણ કરતી વખતે લીધેલી સોગંદ ભૂલી ગઈ અને મહિલાઓ પર અત્યાચાર થવા દીધો. કહેવાતા નામના ખાખી વર્દીધારીઓએ ગુંડાઓને રોકવાની કોઈ તસ્દી ન લીધી. હાલ સમગ્ર મામલે પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી 2 ની ધરપકડ કરી છે.
જો કે કહેવાતા સભ્ય સમાજ સામે આ ઘટના અનેક સવાલ ઉભા કરે છે. શું માત્ર મંદિરમાં પ્રવેશવા જેવી બાબતે મહિલાની ઈજ્જતને સરાજાહેર નીલામ કરવામાં આવશે? અને સમાજના બની બેસેલા ઠેકેદારોની સામે શું પોલીસ શું આમ જ હાથ પર હાથ ધરીને બેસી રહેશે? આખરે ક્યાં સુધી એક પુરુષપ્રધાન સમાજ મહિલા પર દમન કરતો રહેશે. એકતરફ જ્યારે સંસદમાં મહિલાઓને બરાબરીનો દરજ્જો આપવાની વાતો થાય છે પરંતુ પહેલા સમાજમાં તો મહિલાને બરાબરીનો હક્ક મળે? ક્યાં સુધી પરંપરાના નામે અનેક મહિલાઓના ગળા ઘોંટવામાં આવશે અને ક્યાં સુધી એનો અવાજ દબાવી દેવામાં આવશે. સંસદમાં બરાબરીનો દરજ્જો આપી નારી વંદનાની વાતો કરતા મોટા મોટા માનનીય નેતાઓ આવી દકિયાનુસી વિચારધારાની સામે કેમ કોઈ પગલા લેતા નથી. તે પણ મોટો સવાલ છે.
Published On - 7:18 pm, Sun, 17 May 26