Maharashtra : મહારાષ્ટ્રના આરોગ્ય અધિક મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે (Dr.Pradip Vyas) શુક્રવારે વધતા કોરોના કેસને લઈને જણાવ્યુ હતુ કે, જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજ્યમાં બે લાખ સક્રિય કોરોના કેસ(Active Case) નોંધાઈ શકે છે. વધુમાં કહ્યુ કે, રાજ્યમાં કોવિડના વધતા કેસોના આધારે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો લગભગ બે લાખ પર પહોંચી જશે.
વધુમાં જણાવ્યુ કે,જો કોઈને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર હોય તો આ સ્થિતિના સંચાલન માટે અગાઉથી સૂચનાઓ જારી કરવામાં આવી છે.કોરોના વાયરસના ત્રીજી લહેરની વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખીને, અધિક મુખ્ય સચિવે લોકોને ચેતવણી આપી છે કે ત્રીજી લહેર પણ જીવલેણ સાબિત થઈ શકે છે,તેથી કોરોના પ્રોટોકોલનુ (Corona Protocol) પાલન કરવુ જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર (Third Wave) જીવલેણ નહીં હોય એવા ભ્રમમાં ન રહો. રસી ન મેળવનારા અને પહેલેથી જ ગંભીર રોગથી પીડાતા લોકો માટે તે એટલું જ ઘાતક હશે જેટલું તે બીજી લહેરમાં હતું. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને ગુરુવારે લગ્ન, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો અને અંતિમ સંસ્કારમાં હાજરી પર નવા પ્રતિબંધની જાહેરાત કરી હતી.
આ નવી ગાઈડલાઈન અનુસાર લગ્ન અથવા કોઈપણ સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમમાં વધુમાં વધુ 50 લોકોને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ અંતિમ સંસ્કારમાં હાજર લોકોની મહત્તમ સંખ્યા 20 રાખવામાં આવી છે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે રાજ્યમાં જ્યાં લોકોની મોટી ભીડ એકઠી થાય છે,ત્યાં સક્ષમ અધિકારીઓ જો યોગ્ય લાગે તો તેઓ ત્યાં કલમ 144 લાગુ કરી શકે છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, શુક્રવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 8,067 નવા કેસ નોંધાયા હતા. જેમાં ગુરૂવારની સરખામણીમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન આઠ દર્દીઓના મોત થયા છે. ગુરુવારે રાજ્યમાં કુલ 5,368 કેસ નોંધાયા હતા.ત્યારે રાજ્યમાં હાલ ફરીથી કોરોના કેસમાં અચાનક ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી છે.
આ પણ વાંચો : Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં